પાટણ, 24 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લાના સેવા સદનમાં કલેકટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન કલેક્ટરે અરજદારોની વિવિધ સમસ્યાઓ ધ્યાનપૂર્વક સાંભળી અને અધિકારીઓને હકારાત્મક અભિગમ સાથે ત્વરિત નિવેડો લાવવા સ્પષ્ટ સૂચનાઓ આપી.
કાર્યક્રમમાં કુલ 23 અરજદારોને તેમની જમીન માપણી, મકાન સહાય, બસ વ્યવસ્થા, દબાણ દૂર કરવું, ગંદકી દૂર કરવી અને ગટરની સફાઈ જેવા વિવિધ મુદ્દાઓ રજૂ કરવાની તક મળી. કલેક્ટરે દરેક અરજી માટે સંબંધિત વિભાગોને દિશાનિર્દેશ આપ્યા હતા.
આ કાર્યક્રમમાં પોલીસ વડા વી.કે. નાયી, નિવાસી અધિક કલેક્ટર વી.એલ. બોડાણા સહિત વિવિધ અધિકારીઓ, કર્મચારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. આવા કાર્યક્રમો સામાન્ય નાગરિકોને તેમની સમસ્યાઓ વહીવટી તંત્ર સમક્ષ સીધે રજૂ કરવાની તક આપે છે, જેના લીધે સમસ્યાઓનું ઝડપી નિરાકરણ શક્ય બને છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર