પાટણ, 24 જુલાઈ (હિ.સ.)પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ પ્રવેશ પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં છે. જીકાસ પોર્ટલ દ્વારા ધોરણ 12ની પૂરક પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓ માટે સ્નાતક કક્ષાએ 16મો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓએ 25 જુલાઈ સુધી ફી ભરવાની રહેશે.
અનુસ્નાતક કક્ષાએ આવતીકાલે ગુરુવારે નવો રાઉન્ડ જાહેર થવાનું છે, અને 25 જુલાઈ પછી પણ વધુ એક રાઉન્ડ આવી શકે છે. જેને પ્રવેશ માટે ઓફર લેટર મળશે, તેમણે મૂળ દસ્તાવેજો સાથે કોલેજમાં જઈને વેરિફિકેશન કરાવવું પડશે. દસ્તાવેજોની ચકાસણી બાદ જ પ્રવેશ કન્ફર્મ માનવામાં આવશે.
હાલ સ્નાતક કક્ષાની 75% સીટો ભરાઈ ગઈ છે, જ્યારે અનુસ્નાતક કક્ષાએ 50% થી 60% પ્રવેશ પૂર્ણ થઈ ચૂક્યા છે. વિષય પસંદગીના કારણે લગભગ 25% વિદ્યાર્થીઓ હજુ પ્રવેશ પામ્યા નથી. સમગ્ર પ્રવેશ પ્રક્રિયા જીકાસ હેલ્પ સેન્ટર દ્વારા સંપૂર્ણપણે ઓનલાઈન યોજાઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર