પાટણ, 24 જુલાઈ (હિ.સ.) : પાટણમાં સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2024 અંતર્ગત નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ ગોપકલ હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે કુલ 32 પૈકી 30 ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા, જ્યારે બે ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન રાજ્યના શિક્ષણ વિભાગ, કમિશ્નર શાળાઓની કચેરી, ગાંધીનગરની પ્રેરણાથી તથા જિલ્લા શિક્ષણધિકારી કચેરી, પાટણ દ્વારા કરવામાં આવ્યું હતું.
જિલ્લા શિક્ષણધિકારી અશોક ચૌધરીએ નવનિયુક્ત શિક્ષકોને સંબોધતા જણાવ્યું હતું કે, શિક્ષકનું સ્થાન સામાજિક રીતે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. શિક્ષકની નોકરી માત્ર રોજગારી નહીં, પણ મોટી જવાબદારી છે. તેમણે ઉમેર્યું કે એક શિક્ષક પોતાના કાર્ય દ્વારા NGO જેટલું યોગદાન આપી શકે છે અને સમાજ ઘડવા માટેનું મહત્વપૂર્ણ સાધન બની શકે છે.
આ કાર્યક્રમમાં ભરતીના નોડલ અધિકારી ભરત પટેલ, હિસાબી અધિકારી એમ. સી. રાજપુત તેમજ સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પરેશ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. નિમણૂક મેળવેલા નવા શિક્ષકો દ્વારા શાળાઓમાં ફરજસભર કામગીરી કરવાની ખાતરી આપી શિક્ષણ વિભાગનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર