બોટાદ, 24 જુલાઈ (હિ.સ.) : બોટાદ શહેરમાં મોસમ દરમિયાન થયેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા આરોગ્યને લઈ ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. આજે બોટાદ શહેરી આરોગ્ય કેન્દ્ર (UHC) દ્વારા પાણી ભરાય ગયેલા વિસ્તારોમાં વાહકજન્ય રોગ નિયંત્રણ અંતર્ગત અસરકારક પગલાં રૂપે કામગીરી હાથ ધરવામાં આવી.
શહેરી આરોગ્ય કેન્દ્રની ટીમે નગરના વિવિધ વિસ્તારમાં પાણી ભરાયેલા મકાનોની ઓળખ કરી અને ત્યાં BTI (બેક્ટેરિયોલોજિકલ ટેક્નિકલ ઈન્સેકટિસાઈડ) છાંટકાવ કાર્ય કર્યો. BTI એ કુદરતી બેક્ટેરિયાથી બનેલ જીવાણુનાશક દવા છે જે મચ્છરના લાર્વાને નષ્ટ કરે છે અને તેને વધવા દેતું નથી. ખાસ કરીને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગોનો ફેલાવ રોકવા માટે આ પગલું અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ કામગીરી માટે આરોગ્ય વિભાગની ટીમે ઘરો, નાળાઓ, ખાડાઓ અને અન્ય પાણી ભરાયેલા સ્થળોની તપાસ કરી અને ત્યાં BTI દવાનો છંટકાવ કર્યો. સ્થળ પર લોકજાગૃતિ ફેલાવતાં આરોગ્ય કર્મચારીઓએ લોકોને સલાહ આપી કે ઘરઆંગણમાં પાણીનો જમાવ ન થવા દેવો, ટાંકી-ડ્રમ-ભારે વાસણને ઢાંકીને રાખવા અને મચ્છરદાનીનો ઉપયોગ કરવાનો સંદેશ આપ્યો.
બોટાદ નગરપાલિકા તેમજ આરોગ્ય વિભાગના સંયુક્ત પ્રયાસથી શહેરમાં વાહકજન્ય રોગો ફેલાવાની શક્યતાઓને કાબૂમાં લેવાના પ્રયાસો થઈ રહ્યાં છે. આગામી દિવસોમાં પણ આવા કામગીરી સતત હાથ ધરાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai