જામનગર, 24 જુલાઈ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટિની મીટીંગમાં 98.78 કરોડના જુદા-જુદા કામોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં રંગમતી નદીને મૂળ સ્વરૂપમાં લાવવા માટેના પ્રોજેકેટ માટે રૂા.8.59 કરોડ, કાલાવડ નાકા બહાર રંગમતી નદી ઉપર ફોરલેન રિવરબ્રીજ બનાવવા માટે રૂ.19.48 કરોડ તેમજ ખંભાળિયા રોડ ઉપર વિશાલ હોટલ પાછળ ર્સ્પોટસ કોમ્પ્લેક્ષના પ્રથમ તબક્કાના કામ માટે 43.86 કરોડનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, સ્ટેન્ડીંગ કમિટિની એક બેઠક ચેરમેન નિલેષભાઇ કગથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં ઉપરોકત પ્રોજેકટ ઉપરાંત શહેરમાં જુદ-જુદા વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવા માટે 2.27 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી યોજના હેઠળ સ્ટેટ કલીન એર પ્રોગ્રામ અંતર્ગત નાણાકીય સહાય પૂરી પાડવા માટે રૂા.20 કરોડના ખર્ચની કમિશનરે કરેલી દરખાસ્તને પણ બહાલી આપવામાં આવી હતી. આમ કુલ 98.78 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DAVAL NILESHBHAI BHATT