સુરત, 24 જુલાઈ (હિ.સ.)-રાંદેર, તાડવાડી રોડ, વિસ્તારમાં રહેતા વેપારીને સાયબર માફિયાઓએ ટાટા ઝુડીયો કંપનીની ફ્રેન્ચાઈઝી આપવાના બહાને રૂપિયા 31 લાખ પડાવી લીધા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
સાયબર ક્રાઈમ પોલીસ પાસેથી મળતી વિગત મુજબ, રાંદેર રોડ, તાડવાડી, સાંઈ આશિષ સોસાયટીમાં રહેતા 30 વર્ષીય અનુરાગ રાજકુમાર હિરાણીની નવસારીના ચીખલી ગામ ખાતે કોમર્શીયલ દુકાનો આવેલી છે. જે દુકાનો તેઓએ ભાડેથી આપવાની છે. આ દરમિયાન તેમના ધ્યાને એવુ આવ્યું કે ટાટા કંપનીની ઝુડીયો ગારમેન્ટના વ્યવસાય માટે ભાડેથી દુકાનોની રીકવ્યારમેન્ટ હોય છે. જેથી અનુરાગભાઈએ ગુગલ ઉપર ઝુડીયો ઈ-મેઈલ આઈડી સર્ચ કરી હતી. ત્યારબાદ 22 માર્ચના રોજ તેમના ઈ-મેઈલ આઈડી પરથી ટાટા કંપનીની ઝુડીયોની ઈ-મેઈલ આઈડી ઉપર પોતાની કોમર્શીયલ પ્રોપટી ભાડે આપવા માટે મેઈલ કયો હતો. થોડીવારમાં સામેથી તેમના ઈ-મેઈલ આઈડી ઉપર મોબાઈલ નંબર, સહિતની માહિતી અંગેનો મેસેજ આવતા તેઓએ મોબાઈલ નંબર સહિતની તમામ માહિતીઓ અપલોડ કરી હતી. 11 એપ્રિલના રોજ અનુરાગભાઈને પિયુષ જૈન અને વિશાલ પાટીલ નામના વ્યકિતઓએ ફોન કરી પોતાની ઓળખ ટાટા ઝુડીયો કંપનીના રિલેશનશિપ મેનેજર તરીકે આપી તેમની પાસેથી આધાર કાર્ડ, પાનકાર્ડ, બેન્ક પાસબૂક, ચેકની નકલ, જીએસટી અને આઈટીઆરઆઈટીઆરની કોપી, પાસપોર્ટ સાઈઝના ફોટા, લોકેશન, વિડીયો સહિતની માહિતી મેળવી હતી. ત્યારબાદ માફિયા ટાટા કંપનીની ઝુડીયોની બોગસ મેઈલ આઈડી બનાવી ઝુડીયોની ફ્રેન્ચાઈઝી આપવાની ઓફર આપી હતી. માફિયાઓની વાતમાં આવી અનુરાગ હિરાણીએ ઝુડીયોની ફ્રેન્ચાઈઝી લેવા માટે તૈયાર થયા હતા. અનુરાગ તેમના જાસામાં આવી ગયા બાદ માફિયાઓએ કંપનીના નામે ફેક ટેક્સ ઈનવોઈસ મોકલ્યા હતા. જેમાં રજિસ્ટ્રેશન ચાર્જ, નોકારતારી ફ્રી, એગ્રીમેન્ટ એક્ઝિક્યુશન ચાર્જ સહિત વિવિધ ચાર્જના બહાને 31,00,099 અલગ અલગ બેન્કના ખાતામાં ટ્રાન્સફર કરાવી પડાવ્યા હતા. ત્યારબાદ પિયુષ જૈન અને વિશાલ પાટીલનો મોબાઈલ નંબર બંધ આવવા લાગ્યો હતો. અનુરાગને તેઓ સાયબર ક્રાઈમ ફ્રોડના શિકાર બન્યા હોવાનો ખ્યાલ આવતા ગતરોજ ફરિયાદ નોધાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે