પાટણ, 24 જુલાઈ (હિ.સ.) : પાટણ તાલુકા હેલ્થ ઓફિસના સભાખંડમાં ગુરુવારના રોજ રોટરી ક્લબ ઓફ પાટણ અને તાલુકા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે માતા અને બાળ સુરક્ષા કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત 30 સગર્ભા માતાઓને જરૂરી સામગ્રી સાથેની સુરક્ષા કીટો વિતરણ કરવામાં આવી.
કાર્યક્રમમાં રોટરી ક્લબ પાટણના પ્રમુખ ડૉ. પરિમલ જાની, પ્રોજેક્ટ ચેરમેન રો. રાજુ મોદી, રો. ડૉ. નૈસર્ગિ પટેલ, મંત્રી રો. જય દરજી, તાલુકા હેલ્થ ઓફિસર અલ્પેશભાઈ અને ડીપીઓ ઉર્મિલાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. રોટરી પ્રમુખ ડૉ. જાનીએ જણાવ્યું કે માતા અને બાળ મૃત્યુદર ઘટાડવા માટે સરકાર તેમજ રોટરી ક્લબ જેવી સંસ્થાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. તેમણે ભારપૂર્વક ઉલ્લેખ કર્યો કે દેશના વિકાસમાં માતા-બાળ મૃત્યુદર એક મહત્વપૂર્ણ સૂચક છે.
કાર્યક્રમમાં રો. અશ્વિન જોષી, રો. બાબુભાઈ પ્રજાપતિ, રો. ડૉ. અતુલ અગ્રવાલ, રો. ભગાભાઈ પટેલ, રો. જયરામભાઈ પટેલ અને રો. પરેશ પટેલ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ પાટણ પરિવાર, તાલુકા હેલ્થ ઓફિસ અને આઈસીડીએસ સ્ટાફના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં ભવિષ્યમાં પણ આવા સેવાકાર્યો કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર