નવી દિલ્હી, 24 જુલાઈ (હિ.સ.). એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ, ગુરુવારે મુંબઈમાં અનિલ અંબાણીની કંપનીઓ સાથે જોડાયેલા લગભગ 50 સ્થળો પર દરોડા પાડ્યા. અનિલ ડી. અંબાણી જૂથની કંપનીઓ અને યસ બેંક પર રૂ. 3,000 કરોડના કથિત બેંક લોન છેતરપિંડીના સંદર્ભમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, યસ બેંક લોન છેતરપિંડી કેસ સંબંધિત મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં, ઈડી એ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ (રાગા કંપનીઓ) સાથે જોડાયેલા 35 થી વધુ સ્થળો અને 50 કંપનીઓ પર દરોડા પાડ્યા છે. જોકે અનિલ અંબાણીના વ્યક્તિગત નિવાસસ્થાન પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ન હતું, દિલ્હી અને મુંબઈની ઈડી ટીમોએ તેમના જૂથની કેટલીક કંપનીઓ સાથે સંબંધિત પરિસરની મુલાકાત લીધી છે. ઈડી ટીમે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 (પીએમએલએ) હેઠળ આ કાર્યવાહી કરી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને તેના પ્રમોટર-ડિરેક્ટર અનિલ ડી. અંબાણીને, 'છેતરપિંડી કરનારા' તરીકે વર્ગીકૃત કર્યાના થોડા દિવસો પછી જ આ દરોડા પાડવામાં આવ્યા છે.
સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલી બે એફઆઈઆર અને સેબી, નેશનલ હાઉસિંગ બેંક, બેંક ઓફ બરોડા અને નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટી (એનએફઆરએ) સહિતની એજન્સીઓ દ્વારા શેરિંગ બાદ કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ઈડી, 2017 અને 2019 વચ્ચે યસ બેંકમાંથી લગભગ 3,000 કરોડ રૂપિયાના ગેરકાયદેસર લોન ડાયવર્ઝનના આરોપોની તપાસ કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ