ગીર સોમનાથ, 4 જુલાઈ (હિ.સ.) રાજ્યની શિક્ષણ પદ્ધતિમાં ૩૬૦ ડીગ્રી પરિવર્તન લાવીને હોલિસ્ટિક એજ્યુકેશન એપ્રોચના સર્વગ્રાહી મૂલ્યાંકન માટે રચવામાં આવેલી ટાસ્ક ફોર્સ કમિટીએ પોતાના તારણોનો ભલામણ અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં દેશમાં અમલી થયેલી નેશનલ એજ્યુકેશન પોલીસીમાં પણ સર્વગ્રાહી શિક્ષણ મુલ્યાંકન માટેની ભલામણ કરવામાં આવેલી છે. આ રાષ્ટ્રીય શિક્ષણ નિતીનો ઉદ્દેશ્ય વૈશ્વિક કક્ષાનું માનવબળ તૈયાર કરવા માટે સર્વાંગી વિકાસને આવા સર્વગ્રાહી શિક્ષણથી પ્રોત્સાહન આપવાનો છે.
આ હેતુસર વિદ્યાર્થીઓમાં અભ્યાસની સાથે ખેલકૂદ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વોકેશનલ ટ્રેનિંગ જેવી બાબતો માટેના સર્વગ્રાહી શૈક્ષણિક અભિગમ દ્વારા ભાવાત્મક અને બૌદ્ધિક ક્ષમતા વર્ધનની ભલામણો રાજ્યમાં સર્વગ્રાહી શિક્ષણ મુલ્યાંકન માટેની આ ટાસ્ક ફોર્સ કમિટીએ પોતાના અહેવાલમાં કરી છે.
કમિટીના અધ્યક્ષ જયેન્દ્રસિંહ જાદવ અને સભ્યોએ આ ભલામણ અહેવાલ મુખ્યમંત્રીને અર્પણ કર્યો હતો. હવે, રાજ્ય સરકાર અહેવાલનો અભ્યાસ કરીને ઉચિત કાર્યવાહી કરશે.
મુખ્યમંત્રીને ટાસ્ક ફોર્સ કમિટીના અહેવાલ અર્પણ વેળાએ શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, શિક્ષણ અગ્ર સચિવ મુકેશકુમાર અને મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ મતી અવંતિકા સિંઘ તથા વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ