-જીપીસીબી અંક્લેશ્વરએ જાણે કંપનીઓને છૂટ આપી દીધી હોય તેમ બિન્દાસ વહે છે વેસ્ટ
-નલધરી વટારીયા ગ્રામ પંચાયતએ પણ કંપનીઓ વિરુદ્ધ મામલતદાર ,ટીડીઓને લેખિત રાવ કરી
-કંપની અને જીપીસીબીની સાંઠગાંઠના ભોગ આદિવાસી પ્રજા,તેમના પશુ અને જમીન અને બોર બની રહ્યા છે
-આજુબાજુના સ્થાનિક લોકો ફરિયાદ કરે એટલે જીપીસીબી જાણ કરી પાણી ચોખું થાય પછી આવે
ભરૂચ 24 જુલાઈ (હિ.સ.)
ભરૂચ જિલ્લામાં મોટા ,મધ્યમ અને નાના ઉદ્યોગો આવેલા છે.છ જીઆઈડીસી ગુજરાતનું ગ્રોથ એન્જિન છે .જેમાં હજારો ખેડૂતોએ તેમની જમીન ગુમાવી છે. તેમને તેમાં નોકરી પણ મળતી નથી ત્યારે હવે વાલિયામાં આવેલ મોટી કંપની ગોદરેજ દ્વારા આદિવાસી વિસ્તારના ગામોની વરસાદી કાંસમાં કેમિકલ યુક્ત એસિડિક પ્રવાહી રાત્રિના ભાગે છોડી કાંસ અને કોતર તેમજ અમરાવતી અને પુણ્ય સલિલા નર્મદા નદીને પણ ઝેરયુક્ત બનાવવાનો કારસો કરી રહી છે.ગતરાત્રિના વગર વરસાદે નલધરી કોતરમાં કેમિકલ યુક્ત એસિડિક દુર્ગંધ મારતું પ્રવાહી આવતું હતું.જે બાબતે આગવ પણ ગ્રામજનોએ રજુઆતો કરી પરંતુ કંપની અને જીપીસીબીની સાંઠગાંઠના કારણે કોઈ કાર્યવાહી થતી નથી.
નલધરીના કોતરમાં વાલિયાની ગોદરેજ કંપનીએ રાત્રિના સમયે ખૂબ મોટા પ્રમાણમાં કેમિકલ વેસ્ટ છોડી કાંસમાં આવેલ જળચર ,કિનારે આવેલ નલધરી ગ્રામજનો,તેમના પશુ તેમજ પક્ષી, જમીન અને જળ પણ મલીન થઈ ગયું છે.જ્યારથી વરસાદ ચાલુ થયો ત્યારથી એટલે કે 25 દિવસથી પણ વધુ સમયથી આ કાંસમાં એકદમ ખરાબ રસાયણ યુક્ત ઝેરી પાણી વહેવડાવવામાં આવે છે.આ બાબતે નલધરી વટારીયા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા મામલતદાર ,ટીડીઓ અને ગોદરેજ કંપનીને લેખિત ફરિયાદ કરી છે તો પણ કોઈનો ડર ના હોય તેમ લોકોના ભોગે કેમિકલ વેસ્ટ ઠાલવવામાં આવે છે.આ બાબતે ઘણી રજુઆતો જીપીસીબી અંકલેશ્વરના વિજય રાખોલીયાને કરવામાં આવી છે.
વિજય રાખોલીયાને જ્યારે પણ ગંદુ પ્રવાહી કોતરમાં નીકળતું હોય ત્યારે અગ્રણી,ગ્રામજનો અને પંચાયત દ્વારા કહેવામાં આવે ત્યારે તાત્કાલિક કંપનીમાં જાણ કરી બંધ કરાવી દે છે અને કાંસમાં પાણી ચોખું થાય એટલે તેમની ટીમ સેમ્પલ લેવા આવે આવા તો નાટક કરે છે.આ જગ્યાએ કોઈ નાની કે મધ્યમ કંપનીમાંથી થોડું પણ પાણી બહાર નીકળે એટલે તો સેમ્પલ લેવાય જાય તેને ક્લોઝર અપાય જાય અને દંડ પણ કરી નાખે ત્યારે આ મોટી કંપનીઓને છાવરવામાં આવે છે.
આ બાબતે પુરાવા સાથે અંકલેશ્વર રિજિયોનલ મેનેજર વિજય રાખોલીયાને જાણ બપોરે કરાતા તેમણે મેસેજ કરીને જણાવે કે રાત્રે તપાસ કરી સેમ્પલ લેશું .હવે આમને કોણ કહે તબેલામાંથી ઘોડા છૂટી ગયા પછી તાળું મારવાથી કઈ ના થાય પરંતુ તેના માટે કાર્યવાહી કરવી પડે તેતો કરવી નથી એમને કેમકે ત્યાં તેમની બધી ગોઠવણ થયેલી છે.લોકોનું,પર્યાવરણ,પશુ પક્ષી ,જમીન અને બોરના પાણીનું જે થવાનું હોય તે થાય .
ગોદરેજ અને ઇન્ટાસ કંપની દ્વારા વરસાદી કાંસમાં ગત રાત્રિના અંધકારમાં કેમિકલયુક્ત પ્રદૂષિત તીવ્ર દુર્ગંધ મારતું પાણી ફરીથી છોડી મૂક્યું છે.ચોમાસું ચાલુ થયું ત્યારથી અવાર નવાર ઘણી વખત રજૂઆત કરી છે મૌખિક અને લેખિત પરંતુ તેમાં કોઈ સુધારો નથી થયો.રાત્રે અને આખો દિવસ આ જાહેરમાં કેમિકલયુક્ત પ્રવાહી વહેતું હતું.આ બાબતે અમે લેખિતમાં મામલતદાર વાલિયા ,ટીડીઓ અને ગોદરેજ તેમજ ઇન્ટાસ કંપનીને પણ આપ્યું છે.હવે અમે કંપની સામે આંદોલન કરશું .અમને તેમજ પર્યાવરણ,પશુ , પક્ષી અને જમીન , અમારા પીવાના પાણીના બોર પણ બગડી રહ્યા છે.જીપીસીબી તો કંપની સામે કોઈ કાર્યવાહી કરતી જ નથી ભ્રષ્ટાચારી છે જેનો ભોગ અમે બની રહ્યા છીએ .
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ