વલસાડ, 24 જુલાઈ (હિ.સ.)-વલસાડ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા જીલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરના સંયુક્ત
ઉપક્રમે સમગ્ર રાજ્યમાં આગામી માસમાં યોજાનાર શિક્ષક તાલીમ સંદર્ભે વલસાડ જિલ્લાના
તજજ્ઞ તૈયાર કરવાના હેતુથી ધોરણ 6 થી 8 ના સામાજિક વિજ્ઞાન વિષયના માસ્ટર્સ ટ્રેનરની
તાલીમ જીલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં તારીખ 21,22 અને 23 જુલાઈના રોજ યોજાઈ હતી.
આ તાલીમમાં 6 તાલુકા માંથી 42 જેટલા
માસ્ટર્સ ટ્રેનર શિક્ષકોએ ભાગ લીધો હતો. તજજ્ઞ તરીકે રીસોસ પર્સન તરીકે તરૂણકુમાર પટેલ
(પરિયા વેલવાગડ પ્રા.શાળા), સ્નેહલભાઈ પટેલ (નાનાપોઢા પ્રાથમિક શાળા) અને જયેશભાઈ ટંડેલ (બલીઠા પ્રાથમિક શાળા)એ
તાલીમાર્થીઓને વિષય સંદર્ભે શિક્ષક આવૃત્તિ વિવિધ પેડાગોજી અને પદ્ધતિઓની સમજ આપી હતી.
જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના અધિકારી પ્રજ્ઞેશ ડી.રાઠોડ દ્વારા સામાજિક વિજ્ઞાનના
શિક્ષકોને નક્ષત્રો અને ગ્રહોની રસપ્રદ માહિતી આપી તાલીમાર્થીઓને વિજ્ઞાન કેન્દ્રની
મુલાકાત કરાવી હતી. આ ત્રણ દિવસ સામાજિક વિજ્ઞાન વર્ગખંડ પ્રવૃત્તિઓથી જીવંત રહ્યો
હતો. વિષય અંતર્ગત શિક્ષક આવૃત્તિની વ્યવસાયિક સજ્જતામાં તાતી જરૂરિયાત હોય એની સમજ
અપાઇ હતી. સમગ્ર તાલીમનું સંચાલન ડાયટના સિનિયર લેક્ચરર ડૉ. પંકજભાઈ દ્વારા થયું હતું.
સમગ્ર તાલીમ દરમિયાન વિજ્ઞાન કેન્દ્રની ટીમ દ્વારા સક્રિય સહયોગ મળ્યો હતો. કાર્યક્રમમાં
વલસાડ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી મહેન્દ્રભાઈ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને
વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે