મોડાસા, 24 જુલાઈ (હિ.સ.)
મેઘરજ (અરવલ્લી): અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની રામગઢી ગ્રામ પંચાયત ફરી એક વખત વિવાદમાં આવી છે. પંચાયત રાજ એક્ટ મુજબ, પંચાયતની ચૂંટણીઓ માટે ઉમેદવારને માત્ર બે સંતાનો હોવા જોઈએ, પરંતુ તાજેતરમાં જાણવા મળ્યું છે કે રામગઢી ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા મહિલા સરપંચને ત્રણ સંતાનો છે.તેવા આક્ષેપો થઇ રહ્યાં છે અને આ બાબતે ઉચ્ચ કક્ષાએ અરજદારે લેખિત રજુઆત કરી છે આ મુદ્દો તત્કાલિન ચુંટણી નિયમો અને નિયમિતતાઓ સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. મહિલાએ તાજેતરમાં યોજાઈ ગયેલ ગ્રામ પંચાયતી ચૂંટણીઓ દરમ્યાન ફોર્મ ભરીને પોતાને માત્ર બે સંતાનો હોવાનું જાહેર કર્યું હતું. પરંતુ હવે તાજેતરમાં જીલ્લા વિકાસ અધિકારીને લેખિત અરજી આપવામાં આવી છે કે તેમની પાસે ત્રણ સંતાનો છે તેવા આક્ષેપ થઇ રહ્યા છે જે ચૂંટણી નિયમોનું ઉલ્લંઘન હોઈ શકે છે સાથે સ્થાનિક ગ્રામજનોમાં આ મામલે રોષ જોવા મળ્યો છે અને સંબંધિત સરપંચના પદને રદ્દ કરવા અને કાયદેસર કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે. સ્થાનિક સ્તરે લોકોનો કહેવો છે કે, ચુંટણી દરમિયાન જાણી જોઈને ખોટી માહિતી આપવી ગંભીર ગુનો છે અને તેનાથી લોકશાહી પ્રણાલીમાં લોકોનો વિશ્વાસ ઘટે છે.અરજીમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, તત્કાલિન તંત્ર દ્વારા યોગ્ય રીતે દસ્તાવેજો અને માહિતીની ચકાસણી કરવામાં ન આવી હોવાથી આવો ખોટો ઉમેદવાર ચૂંટાઇ આવ્યો છે તેવા પણ આક્ષેપ છે હવે જિલ્લા તંત્ર શું પગલાં ભરે છે અને મહિલા સરપંચ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય છે કે નહીં તે જોવું રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ