બોટાદ, 24 જુલાઈ (હિ.સ.) : આજરોજ બોટાદ જિલ્લાના CHC ગઢડા ખાતે આરોગ્ય ખાતા અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી પ્રસંગોજનક કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં CDHO મેડમશ્રીની અધ્યક્ષતામાં જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ, જાયન્ટસ ગ્રુપ ગઢડા તેમજ શ્રી સ્વામિનારાયણ મંદિર, કુંડળના સહયોગથી સગર્ભા બહેનોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સગર્ભા બહેનોમાં પોષણજ્ઞાન વધારવો અને માતા તેમજ ભવિષ્યના નવજાત શિશુના સ્વાસ્થ્ય માટે જરૂરી માર્ગદર્શન આપવાનું હતું. CDHO મેડમશ્રી દ્વારા સગર્ભા બહેનોને સંતુળિત આહાર, આયર્ન-કેલ્શિયમની ટેબલેટ્સ, નિયમિત એએનસી ચેકઅપ, આરામ તથા સંસ્થાકીય પ્રસૂતિ જેવા મહત્વના મુદ્દાઓ અંગે વિગતે સમજણ આપવામાં આવી. સાથે સાથે પોષણના અભાવથી થતા જોખમો તેમજ સમયસર સારવારના લાભો અંગે પણ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું.
આ પ્રસંગે ગઢડા CHCના તબીબી અધિકારીઓ, નર્સિંગ સ્ટાફ તેમજ સ્થાનિક આશાવર્કર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સગર્ભા બહેનોને આરોગ્ય વિષયક માહિતી આપવા ઉપરાંત સરકાર દ્વારા મળતી વિવિધ માતૃત્વ સુવિધાઓ વિશે પણ માહિતગાર કરવામાં આવી.
આવા સહયોગી પ્રયાસોથી ગ્રામ્ય વિસ્તારોમાં સગર્ભા બહેનોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધશે અને માતા-શિશુ મૃત્યુ દર ઘટાડવામાં સહાય મળી શકે તેવા આશાવાદ સાથે કાર્યક્રમનો સફળતાપૂર્વક સમાપન થયો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai