પાટણ, 24 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના એક ગામની 29 વર્ષીય યુવતીના દસ વર્ષ પહેલા બનાસકાંઠાના એક યુવક સાથે સમાજના રિવાજ અનુસાર સાટા પદ્ધતિથી લગ્ન થયા હતા. દીકરીના જન્મ બાદ સાસુ, સસરા અને નણંદ દ્વારા મહિલાને મહેણાં-ટોણાં મારવામાં આવતા હતા. તેઓ આરોપ લગાવતા કે તેણીને દીકરીની યોગ્ય રીતે સંભાળ રાખતી આવડતી નથી અને પિયરમાંથી યોગ્ય સંસ્કાર મળ્યા નથી.
પતિ પણ મહિલાને ઉશ્કેરાઈને ઝઘડો કરતો અને તાતોડતો હતો. સાસુ-સસરા અને નણંદે મળી તેમને છૂટાછેડાની ધમકી આપી હતી અને અંતે, લગભગ પાંચ વર્ષ પહેલા મહિલાને દીકરી સાથે ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. ત્યારથી કોઈપણ સાસરીયાઓએ તેમની કોઈ ખબર લીધી નહોતી.
હવે મહિલાએ ન્યાય માટે આગળ આવી વસવાટ કરતી જગ્યાની વિસ્તારમાં આવેલ વાગડોદ પોલીસ સ્ટેશનમાં પતિ, સસરા અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ વિરુદ્ધ IPC કલમ 498A, 323, 294B અને 114 હેઠળ ગુનો દાખલ કરાયો છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર