ભુજ – કચ્છ, 24 જુલાઇ , (હિ.સ.) : સરહદ ડેરી દ્વારા અંતિમ ભાવ ચૂકવણીના ભાગરૂપે ચોથા રાઉન્ડનું ચૂકવણું શરૂ કરવામાં આવ્યું છે. સરહદ ડેરી સંયોજિત દૂધમંડળીના પશુપાલકોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી) મારફત અંતિમ ભાવનું ચૂકવણું કરવામાં આવ્યું હતું.
76 દૂધમંડળીઓના 6496 પશુપાલકને રકમ ચૂકવાઇ
ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે, સરહદ ડેરીએ ઐતિહાસિક 45 કરોડ રૂા. અંતિમ ભાવ માટેના ચોથા રાઉન્ડનું ચૂકવણું કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના સહકારથી સમૃદ્ધિ પ્રોજક્ટ અંતર્ગત સરકારની સૂચના મુજબ ચૂકવણી કરાઈ છે. 76 દૂધમંડળીઓના 6496 પશુપાલકને 3 કરોડ 89 લાખ રૂપિયા સીધા તેમનાં બેન્ક ખાતામાં ચૂકવી આપવામાં આવ્યા છે.
અત્યાર સુધી 262 દૂધમંડળીઓના 21218 પશુપાલકને 16 કરોડ ચૂકવાયા
અત્યાર સુધીમાં 262 દૂધમંડળીઓના 21218 પશુપાલકને 16 કરોડ 3 લાખ રૂપિયા ચૂકવ્યા. તેમાં પણ જે દૂધમંડળી માઈક્રો એટીએમનો ઉપયોગ કરે છે તથા જે દૂધમંડળીની નજીક કે.ડી.સી.સી બેન્કની બ્રાન્ચ હોય તેવા કિસ્સામાં પશુપાલકોના ખાતામાં અંતિમ ભાવ જમા કરી અપાયા છે. જે દૂધમંડળીને માઈક્રો એટીએમ મળ્યા નથી અથવા નજીકમાં કોઈ બ્રાન્ચ નથી તેવા પશુપાલકોને દૂર દૂર સુધી જવું ના પડે અને હેરાનગતિ ના થાય તે હેતુને ધ્યાનમાં રાખીને મંડળીના ખાતામાં અંતિમ ભાવ જમા કરી અપાયા છે.
અંતિમભાવનો પાંચમો તબક્કો પણ મળશે
જે મંડળીઓની અંતિમ ભાવની સાધનિક કાગળ સાથેની ફાઇલ ચાંદરાણી ઓફિસે મળી ગયા બાદ ખાતા નંબરનું સેન્ટર ઇન્ચાર્જ મારફતે વેરિફિકેશન થશે. ત્યારબાદ અંતિમ ભાવ વિતરણનો પાંચમો રાઉન્ડ શરૂ કરવામાં આવશે. અંતિમ ભાવ મળતો થયો હોવાથી પશુપાલકોમાં હર્ષની લાગણી છવાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA