જામનગર, 24 જુલાઈ (હિ.સ.) : છોટીકાશી ગણાતા જામનગરમાં આવતીકાલથી ભગવાન ભોલેનાથની ભકિતના શ્રેષ્ઠ દિવસો ગણાતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે. શ્રાવણ માસ દરમ્યાન શહેરના જાણીતા શિવમંદિરોમાં વિવિધ દર્શન યોજાશે.
સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિકો શિવમંદિરોમાં જઇ પૂજા અને દર્શનનો લાભ લેશે. શ્રાવણમાસને ધ્યાનમાં રાખીને શહેરના સિધ્ધનાથ મહાદેવ, કાશીવિશ્ર્વનાથ મહાદેવ, ભીડભંજન મહાદેવ, પ્રતાપેશ્વર મહાદેવ સહિતના જાણીતા શિવમંદિરોમાં રોશની અને ધજા-પતાકાનો શણગાર કરવામાં આવી રહ્યો છે.
મોટા મંદિરમાં ભાવિકો સરળતાથી દર્શન કરી શકે તે માટે કતાર માટેની ખાસ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન વહેલી સવારની તેમજ સાંજની આરતીમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DAVAL NILESHBHAI BHATT