નવી દિલ્હી, 24 જુલાઈ (હિ.સ.). સંસદના ચોમાસુ સત્રના ચોથા દિવસે, બિહારમાં જાહેર કરાયેલ મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) સામે, વિરોધ પક્ષોએ સંસદ ભવનના પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને વિપક્ષી ઇન્ડી એલાયન્સના સાંસદોએ આ વિરોધમાં ભાગ લીધો. વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર કર્યા અને એસઆઈઆર પ્રક્રિયા તાત્કાલિક પાછી ખેંચવાની માંગ કરી.
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ સંસદ ભવનના પરિસરમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, વિપક્ષી નેતાઓને સંસદમાં બોલવાની મંજૂરી નથી. અમે ચર્ચાની માંગ કરી રહ્યા છીએ, સરકારે ચર્ચા કરવા માટે સંમત થવું જોઈએ.
વિરોધ પ્રદર્શન દરમિયાન, કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે શાસક પક્ષ પર લોકશાહીનો નાશ કરવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રણજીત રંજને ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, પંચ દાવો કરી રહ્યું છે કે 95 ટકા મતદારોની ચકાસણી થઈ ગઈ છે, જ્યારે જમીની સ્તરે બીએલઓ કહે છે કે, આ પ્રક્રિયા 26 જુલાઈથી શરૂ થશે. પંચનો ઈરાદો શંકાના દાયરામાં છે.
નોંધનીય છે કે, બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, ચૂંટણી પંચ મતદાર યાદીનું ખાસ સઘન સુધારણા કરી રહ્યું છે. પંચના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 90 ટકાથી વધુ મતદારોએ ફોર્મ ભર્યા છે અને તેના આધારે સપ્ટેમ્બરના અંત સુધીમાં અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવશે. જોકે, વિપક્ષ આ પ્રક્રિયાને શંકાસ્પદ અને પૂર્વયોજિત માની રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ