ભાવનગર 24 જુલાઈ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયાએ આજે આર.ટી.ઓ. સર્કલથી જવેલ્સ સર્કલ તરફ જતા માર્ગ પર ચાલી રહેલા વિકાસ કાર્યની મુલાકાત લીધી હતી. દરમિયાન તેમણે નિર્માણાધીન ઓવરબ્રિજના કામની પણ સમીક્ષા કરી હતી અને ઉચ્ચ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
પ્રભારી મંત્રીએ કહ્યું કે ભાવનગર શહેરમાં વાહનવ્યવહાર દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે, તેથી લોકોને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય એ માટે ઓવરબ્રિજ અને રોડના વિસ્તરણ જેવા કામો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કામગીરીની ગતિથી સંતોષ વ્યક્ત કરતા નિર્દેશ આપ્યો હતો કે તમામ કામગીરી નક્કી કરાયેલ સમયમર્યાદા હેઠળ અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવામાં આવે.
સ્થળ પર ઉપસ્થિત મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, આર.એન.ડી. વિભાગના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર પ્રતિનિધિઓને પ્રભારી મંત્રીએ સ્પષ્ટ સૂચના આપી કે મોનસૂન દરમિયાન લોકોને હાલાકી ન થાય એ માટે હાઈવેના કામમાં કોઈ જ પ્રકારની ઢિલાઈ ન ચાલે.
આ અવસરે મંત્રીએ સ્થાનિક રહીશો અને વેપારીઓ સાથે પણ વાતચીત કરી અને તેમના પ્રશ્નો સાંભળી તેનું સમાધાન થાય તે માટે તત્કાળ પગલાં ભરવાની ખાતરી આપી.
આ મુલાકાત દરમિયાન તાલુકા કક્ષાના અધિકારીઓ અને જિલ્લા પંચાયતના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai