પાટણ, 24 જુલાઈ (હિ.સ.)હરિદ્વારથી શરૂ થયેલી ઉત્તર ગુજરાતની સૌથી લાંબી કાવડ યાત્રા આવતીકાલે સાંજે પાટણ પહોંચશે. 17 શિવભક્તોની ટોળકી માત્ર 11 દિવસમાં 1220 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરશે. યાત્રાનો સમાપન અડીયાના દુધેશ્વર મહાદેવ મંદિરે, હરિદ્વારના ગંગાજળ અને પુષ્કર કુંડના પવિત્ર જળના અભિષેક સાથે થશે. યાત્રા બગવાડા દરવાજાથી શરૂ થઈ મુખ્ય બજાર માર્ગ, અનાવાડા દરવાજા થઈ મંદિરે પહોંચશે.
કાવડિયાઓએ યાત્રા દરમિયાન કઠોર નિયમોનું પાલન કર્યું છે જેમ કે ખાટલામાં ન સૂવું, લસણ-ડુંગળી વગરનું ભોજન લેવું અને સતત 'ઓમ નમઃ શિવાય'નો જાપ કરવો. દુધેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટે યાત્રાળુઓ માટે રૂ. 2.25 લાખનું વીમા કવચ ઉપલબ્ધ કરાવ્યું છે. આ મંદિર 500 વર્ષથી પણ જૂનું છે અને ઉત્તર ગુજરાતના ચાર જાગીરદાર મઠોમાંથી એક છે, જ્યાં ગુરુ ગેડાગીરી મહારાજની જીવંત સમાધિ આવેલી છે.
શનિવારે સવારે 9 વાગ્યે વાળીનાથ મહાદેવના મહંત જયરામગીરી મહારાજનો આગમન થશે અને 9:30 વાગ્યે ઢોલ-નગારા સાથે યાત્રા પ્રસ્થાન કરશે. 10 વાગ્યે મહંત ગજાનંદગીરી અને જયરામગીરી મહારાજ દ્વારા સામૈયું કરાશે. 10:30 વાગ્યે વિદ્વાન બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે જળાભિષેક યોજાશે. કાર્યક્રમમાં 3થી 5 હજાર ભક્તોની ઉપસ્થિતિ રહેવાની સંભાવના છે, જ્યારે જુદા-જુદા વિસ્તારોમાં સ્થાનિકો દ્વારા યાત્રાળુઓનું ભવ્ય સ્વાગત અને ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર