પોરબંદર, 24 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત કચેરી ખાતે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (PAI) અંતર્ગત વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ગ્રામ્ય સ્તરે તમામ સુવિધાઓ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એ દિશામાં સમર્પિત પ્રયાસો કરવાનાં છે અને લોકો સુખાકારી અને રોજગારીની તકો વધે તે માટે કામ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.અંતે તેમણે જણાવ્યું હતું કે આપણે વિકાસની દિશામાં સતત આગળ વધી રહ્યા છીએ ત્યારે આપણા પોરબંદર જિલ્લાનો સમાંતર રાહે વિકાસ થાય તે માટે કોઈ ક્ષેત્ર કે કોઈ વિસ્તાર વિકાસથી વંચિત ન રહે તે દિશામાં કાર્ય કરવામાં આવી રહ્યું છે.જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરીએ જણાવ્યું હતું કે, સર્વે આધારિત ક્ષતિઓને ઓળખીને સરકારની વિવિધ યોજનાઓ દ્વારા તેના નિવારણ માટે કામગીરી હાથ ધરવાની છે. તેમણે ઉમેર્યું હતું કે, પાછલા સમયગાળામાં પોરબંદર જિલ્લો PAI માટેના રાષ્ટ્રીય એવોર્ડમાં થોડા અંકથી પહેલી સ્થાને પહોંચી ન શક્યો હતો, છતાં 1st રનરઅપ તરીકે સ્થાન મેળવ્યું હતું.વધુમાં તેમણે આગામી સમયમાં વધુ સંકલિત પ્રયત્નો દ્વારા પોરબંદરની ગ્રામ પંચાયતોને રાષ્ટ્રીય સ્તરે પ્રથમ સ્થાન મેળવવામાં સફળતા મળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
વર્કશોપમાં જિલ્લા આંકડા અધિકારી કે. એમ. અરીવાલા અને નિષ્ણાંતો દ્વારા પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (PAI) અંગે ટેકનિકલ વિગતો આપવામાં આવી હતી અને તેમાં પોરબંદરની ગ્રામ પંચાયતો દેશની ગ્રામ પંચાયતોની હરોડમાં ક્યાં છે તે અંગે વિશ્લેષણાત્મક માહિતી આપવામાં આવી હતી. અને પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (PAI) માં વધુ સારું કામ કરી શકીએ તે માટે વિવિધ ક્ષેત્રે વધુ પડતું ધ્યાન આપીને વિકાસના કામો હાથ ધરી શકાય તે માટેનું જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતિ કનકલતાબેન પરમાર, આરોગ્ય સમિતિના ચેરમેન મહેન્દ્રભાઈ સંતોકી,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી એલ. વાઘાણી, અગ્રણી સર્વ કાળુભાઈ ભુવા,અરસીભાઈ ખુટી સહિતનાં અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya