ભુજ- કચ્છ, 24 જુલાઈ (હિ.સ.) : વર્ષ ૧૯૯૯ માં કારગિલ યુદ્ધ માં થયેલ ભારતીય સેનાના ભવ્ય વિજયની ૨૭મી વર્ષગાંઠ નિમિત્તે ભુજ નજીકના સુખપરમાં કારગિલ વિજય દિવસ ઉત્સવ ઉજવવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, કારગિલના ચાલુ યુદ્ધે કચ્છ સરહદે જવાનો માટે પાણીની પાઈપલાઈન પહોંચાડવામાં ભારતીય કિસાન સંઘ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સહયોગી થવામાં સુખપરના ૭૧ જેટલા બહેનો અને ૧૩૧ જેટલા ભાઈઓની સાહસિક અને મહત્વની ભૂમિકાને તાજી કરાશે.
નવી યુવા પેઢીને પ્રેરણા માટે ખાસ આયોજન
નવી પેઢીને રાષ્ટ્ર માટે કંઈપણ કરી છુટવાની પ્રેરણા આપવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં કારગિલમાં પ્રત્યક્ષ યુધ્ધ લડતાં થયેલા એક વિસ્ફોટમાં પોતાનો એક પગ ગુમાવનાર જવાન સુરિન્દરસિંધ જે વર્તમાનમાં ભુજના BSF મુખ્યાલય ખાતે કમાન્ડન્ટની મહત્વની સેવા બજાવી રહ્યા છે. તેઓ આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. સ્વામિનારાયણ મંદિર ભુજના વરિષ્ઠ સંતોના આશીર્વચન સાથેની પ્રેરક ઉપસ્થિતિ સાથે સીમા જન કલ્યાણ સમિતિ ગુજરાતના અધ્યક્ષ ડો. જેન્તીભાઈ ભાડેસીયાનું પણ માર્ગદર્શન મળશે. અને અસંખ્ય યુવાનોને સેનામાં જોડાવાની પ્રેરણા આપનાર ભુજના અધિવક્તા પ્રવિણભાઈ ધોળકીયા પણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિતિ રહેશે.
યુવા બહેનો દ્વારા સંચાલિત લેઝીમ અને બેન્ડપાર્ટીથી સ્વાગત કરાશે
દેશ પ્રેમ ઉજાગર કરવા સાથે ભારતના જવાનો માટે વિશેષ આદર વ્યક્ત કરતા આ કાર્યક્રમને નિહાળવા માટે સુખપર- મદનપુરના સમગ્ર ગ્રામજનો અને મંદિરનાં સાંખ્યયોગી બહેનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને જવાનોનાં સ્વાગત માટે સુખપરના યુવા બહેનો દ્વારા સંચાલિત લેઝીમ અને બેન્ડપાર્ટીથી સમગ્ર ગ્રામજનોની ઉપસ્થિતિમાં વિશેષ સામૈયું કરવામાં આવશે.
26મી જુલાઇએ યોજાશે કાર્યક્રમ
સીમા જાગરણ મંચ-કચ્છના માર્ગદર્શનમાં થનાર આ કાર્યક્રમ માટે ગામનાં દરેક મંડળ અને સંસ્થાઓની બનેલ કારગિલ વિજય ઉત્સવ સમિતિ- સુખપરના સામુહિક પ્રયાસોથી સ્વામિનારાયણ ઘનશ્યામ વાડી (લેઉવા પટેલ સમાજ) સુખપરના સભાખંડ ખાતે તા. 26 જુલાઇ, શનિવારે સાંજે 5.30 થી 8 સુધી યોજાનારા આ કાર્યક્રમને સફળ બનાવવા જોશભેર તૈયારીઓ ચાલી રહી છે અને સુખપર ગામ ઉપરાંત આજુબાજુના ગામના સૌ રાષ્ટ્રપ્રેમી નાગરિકોને પણ આ કાર્યક્રમમાં સહભાગી થવા જાહેર આમંત્રણ હોવાનું ઉત્સવ સમિતિના ધનસુખ વાઘાણીની યાદીમાં જણાવાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA