સુરત, 24 જુલાઈ (હિ.સ.)- શહેરના અડાજણ વિસ્તારમાં આનંદ મહેલ રોડ પર સેન્ટર પોઇન્ટ કોમ્પ્લેક્સમાં તસ્કરોએ પાંચ દુકાનોને નિશાન બનાવી હતી. દુકાનોને મારેલ શટલના તાળા તોડી નાખી તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કરી રોકડા રૂપિયા 20,000 તથા રૂપિયા 6,000 ની કિંમતના છ સ્પ્રેની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જેથી ભોગ બનનાર પરણીતાએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અડાજણ વિસ્તારમાં આનંદ મહેલ રોડ પર મહાલક્ષ્મી મંદિરની સામે રોયલ રેસીડન્સ રેસીડેન્સીમાં રહેતા રૂપેશભાઈ રાજેન્દ્રભાઈ અગ્રવાલની પત્ની આશાબેન આનંદ મહેલ રોડ પર સેન્ટર પોઇન્ટ કોમ્પ્લેક્સમ માં દુકાન ધરાવે છે. ગત તારીખ 22/7/2025 ના રોજ રાત્રે 9:30 થી તારીખ 23/7/2025 ના રોજ સવારે 10:15 વાગ્યાના સમયગાળા દરમિયાન તેમની દુકાન બંધ હતી ત્યારે કોઈ અજાણ્યા ચોર ઈસમો એ તેમની દુકાનને નિશાન બનાવી હતી. અજાણ્યા ચોર ઈસમોએ સેન્ટર પોઇન્ટ કોમ્પ્લેક્સમાં આવેલ દુકાન નંબર 54, 55, 56, 57, 58 ના તાળા ડુબલીકેટ ચાવી વડે ખોલી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાંથી રોકડા રૂપિયા 20,000 ની ચોરી કરી હતી. આ ઉપરાંત રૂપિયા 6000 ની કિંમતના છ સ્પ્રેની પણ ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જેથી બનાવને પગલે આશાબેને આ મામલે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઈસમો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે