સુરત, 24 જુલાઈ (હિ.સ.)- શહેરના લિંબાયત વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવક અને તેના માસા રીંગરોડ પર આવેલ રોહિત એસી માર્કેટ અને પૂનમ માર્કેટની વચ્ચે કામ પર હતા. આ દરમિયાન ભેસ્તાનના ગોલ્ડન આવાસમાં રહેતા એક માથાભારે ઈસમ સાથે તેને બોલાચાલી થઈ હતી. જેથી ઉશ્કેરાયેલા યુવકે પોતાની પાસે રહેલું ચપ્પુ કાઢી બંને પર હુમલો કર્યો હતો. જેમાં યુવકના માસા ને ઉપરાછાપરી ચપ્પુના ઘા મારી હત્યાની કોશિશ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનનાર યુવકે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે લિંબાયતમાં ભાવનાગર ખાતે આવેલ અમન સ્કૂલની બાજુમાં રહેતો 22 વર્ષીય કાસીમ જાવીદ શાહ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તારીખ 23/7/2025 ના રોજ સવારે 9 થી 9:15 વાગ્યાના સમયગાળા દરમિયાન કાસિમ જાવેદ અને તેના માસા ઈકબાલ સલીમ પંજારી રિંગ રોડ પર આવેલ રોહિત એસી માર્કેટ તથા પૂનમ માર્કેટની વચ્ચે મજૂરી કામ માટે ગયા હતા. આ સમયે ભેસ્તાન ગોલ્ડન આવાસમાં રહેતા હનીફ ઉર્ફે અન્નુ શાહ સાથે તેઓને બોલાચાલી થઈ હતી. આ સમયે હનીફે કાસીમને એલફેલ ગાળો આપી ધમકી આપી હતી. આ સમયે તેના માસા ઈકબાલ સલીમ પંજારી વચ્ચે આવતા તેને ઢીક મૂકીને ઢોર માર મારી તેની પાસેનું ચપ્પુ કાઢી ઇકબાલ પંજારીને છાતીમાં, પેટમાં, કમરમાં, ડાબા હાથ ઉપર ઉપરાછાપરી જીવલેણ ઘા મારી ઇસ બાર તો તું બચ ગયા, દુબારા મેરે સામને આયા તો જાન સે માર દુંગા તેવી ધમકી આપી ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે ઈકબાલ સલીમ પંજારીને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવને પગલે સલાબતપૂરા પોલીસે કાસમ શાહની ફરિયાદ લઈ હનીફ ઉર્ફે અન્નુ સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે