પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ
વલસાડ, 25 જુલાઈ (હિ.સ.)-વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્યકક્ષાના મંત્રી અને વલસાડ જિલ્લા પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં મંત્રીએ
Valsad


વલસાડ, 25 જુલાઈ (હિ.સ.)-વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્યકક્ષાના મંત્રી અને વલસાડ જિલ્લા પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં મંત્રીએ વર્ષ ૨૦૨૪-૨૫માં ન્યુ ગુજરાત પેટર્ન અંતર્ગત મંજુર થયેલા કામોની સમીક્ષા કરી હતી અને પ્રગતિશીલ કાર્યોને ઝડપથી પૂર્ણ કરવા સંબંધિત વિભાગને સૂચન કર્યું હતું. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ન્યુ ગુજરાત પેટર્ન અંતર્ગત જોગવાઇઓની સમીક્ષા કરી હતી.

બેઠકમાં વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ન્યુ ગુજરાત પેટર્નની જોગવાઈ હેઠળ રસ્તા, શિક્ષણ, પાણી પુરવઠો, સિંચાઈ, કૃષિ અને પશુપાલન, વીજળી, સામુહિક આરોગ્ય તથા અન્ય વિકાસના કામો, રોજગાર, પોષણ, આરોગ્ય, ભૂમિ સંરક્ષણ, પંચાયત, ડેરી વ્યવસાય, મહિલા કલ્યાણ, જળ સરંક્ષણ, વન વિકાસ, ગ્રામ્ય માર્ગો, સ્થાનિક વિકાસના કામો અને પ્રવાસન ક્ષેત્રના કામોની રજૂઆતો કરવામાં આવી હતી. જે અંતર્ગત આ જોગવાઈ હેઠળ અગ્રતાના ધોરણે જરૂરી કામોને મંજૂરી આપવામાં આવી હતી.

મંત્રીએ ચાલુ વર્ષમાં જે કામોને બહાલી આપી છે તે કામોની તાલુકાવાર વિગતો જોઇએ તો ધરમપુર તાલુકામાં ૧૫૫ કામો માટે રૂા. ૨૮.૫૬ કરોડ, કપરાડા તાલુકાના ૨૨૩ કામો રૂા. ૫૯ કરોડ, પારડી તાલુકા ના ૧૨૭ કામો રૂા. ૧૮ કરોડ, વાપી તાલુકાના ૮૨ કામો માટે રૂા. ૯.૬ કરોડ, ઉમરગામ તાલુકાના ૧૪૪ કામો માટે રૂા. ૨૧.૮૬ કરોડ, અટગામ પોકેટના ૧૦૩ કામો માટે ૧૧.૯૭ કરોડ અને રોણવેલ પોકેટના ૧૧૨ કામો માટે રૂા. ૧૦.૮૮ કરોડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય તેમ આયોજન કરવા જણાવ્યું હતું. આ કામોમાં જે કામોમાં ફેરફાર કરવાનો થતો હોય તો તે કરાવીને આ કામો વર્ષના અંતે પૂર્ણ થાય તેની તકેદારી રાખવા માટે જણાવ્યું હતું.

બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, કલેક્ટર ભવ્ય વર્મા, ઇનચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર કાર્તિક જીવાણી, નિવાસી અધિક કલેક્ટર મહિપાલસિંહ ચુડાસમા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ. કે. કલસરિયા, તમામ પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ અને તમામ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande