મહેસાણા, 25 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પામોલ ગામના 65 વર્ષીય અંબાલાલભાઈ ઘેમરભાઈ ચૌધરી છેલ્લા 32 વર્ષથી નર્સરી અને ખેતીનો સફળ વ્યવસાય સંચાલી રહ્યા છે. M.Com અને LLB અભ્યાસ કર્યા બાદ, શેરબજારમાં નુકસાનથી પ્રેરાઈ તેઓએ ખેતી તરફ પગલું મૂક્યું અને 2001થી નર્સરીના ક્ષેત્રે પ્રવેશ કર્યો.
2006માં પામોલમાં પોતાની સ્વતંત્ર નર્સરી શરૂ કરી. અહીં તેઓ મધર પ્લાન્ટમાંથી જાતે કલમ કરીને 60-70% રોપા તૈયાર કરે છે અને ગુણવત્તાવાળાં રોપા ખેડૂતોને પૂરું પાડે છે. તેમની નર્સરીને નેશનલ હોર્ટીકલ્ચર બોર્ડ દ્વારા પ્રમાણિત કરવામાં આવી છે અને અહીંથી ખેડૂતો સબસિડી માટે રસીદ આધારિત રોપા લઈ જાય છે.
અહીં સ્થાનિક તેમજ સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ સહિત રાજસ્થાન અને મધ્યપ્રદેશના ખેડૂતો પણ રોપા લેવા આવે છે. નર્સરીમાં આંબા, લીંબુ, ચીકુ, લિચી, એવોકાડો સહિતના ફળાઉ ઝાડ તેમજ શો પીસ માટે બોનસાઈ રોપા પણ મળે છે.અંબાલાલભાઈનું જીવન મંત્ર છે – “સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી,” અને તેમણે નર્સરીના ક્ષેત્રે એક સફળ મોડેલ ઊભું કર્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR