પાટણ, 25 જુલાઈ (હિ.સ.)પાટણ તાલુકાના બાલીસણા પંથકમાં ભેંસ ચોરીના ગુન્હામાં ઝડપાયેલ મુલતાની ગેંગના આઠ આરોપીઓ – આરીફ, હારૂન, અકિલ, અરબાજ, અસલમ, મોસિક, સાદિક અને નસરૂદિનની નિયમિત જામીન અરજી પાટણ સેસન્સ કોર્ટના ન્યાયાધીશ બી.કે. બારોટે ફગાવી દીધી છે. આરોપીઓની સામે ચાર્જશીટ પણ કોર્ટમાં રજૂ થઈ ગઈ છે.
આ કેસમાં સરકારી વકીલ જે.ડી. ઠક્કરે રજૂઆત કરતાં આરોપીઓની જામીન અરજીનો કડક વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે, આરોપીઓએ રૂ. 1,80,000 કિંમતની ત્રણ ભેંસોની ચોરી કરી છે અને તેઓ જાણીતા મુલતાની ગેંગના સભ્ય છે, જે ગ્રામ્ય વિસ્તારોમાં CCTV ન હોય ત્યાં ચોરીના ગુના કરે છે.
FIR પાટણના બાલીસાણા પોલીસ સ્ટેશનમાં તા. 10-3-2025ના રોજ નોંધાઈ હતી અને ત્યારબાદ આરોપીઓને તા. 4-4-2025ના રોજ પકડી લેવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ તપાસ હાથ ધરી છે અને તેમના ગુનાસૂચક ઇતિહાસને આધારે કાયદેસર કાર્યવાહી કરી રહી છે.
સરકારી વકીલે વધુમાં જણાવ્યું કે આરોપીઓએ આ ભેંસો ક્યાં અને કોની પાસે વેચી તે અંગે વિગતો આપેલી નથી. એલવીએ કરેલો એસડીએસનો ટેસ્ટ રિપોર્ટ FSLને મોકલવામાં આવ્યો છે, જે હજી પ્રાપ્ત થયો નથી. આ ઉપરાંત આરોપીઓ પૈકી પાંચ આરોપીઓના વિરુદ્ધ ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર