વડોદરા, 25 જુલાઈ (હિ.સ.)- વડોદરાના સન ફાર્મા રોડ વિસ્તારમાંથી પોલીસે મોટા પાયે એમડી ડ્રગ્સની સપ્લાઈ રોકવામાં સફળતા મેળવી છે. ભરૂચમાંથી આવેલા એક શખ્સને ડિલિવરી સમયે ઝડપી પાડવામાં આવ્યો છે અને કુલ રૂપિયા 9.33 લાખના કિંમતના 93 ગ્રામથી વધુ એમડી ડ્રગ્સ ઝડપાયા છે.
એસ.ઓ.જી. ટીમને મળેલી ગુપ્ત માહિતીના આધારે રિલાયન્સ મોલ પાછળ આવેલા મેદાનમાં વોચ ગોઠવવામાં આવી હતી. ત્યારે પ્રેસ લખેલા સ્કૂટર સાથે આવેલા સાદિક મહેબૂબ શેખ (રહે. સોનેરી મહલ, ભરૂચ)ની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે તેના પાસેથી ડ્રગ્સ ઉપરાંત મોબાઇલ ફોન અને સ્થાનિક ન્યુઝ ચેનલનું રિપોર્ટર આઈડી કાર્ડ પણ જપ્ત કર્યું હતું.
પોલીસે સ્કૂટર સહિત કુલ 10 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં સાદિકે કબૂલ કર્યું હતું કે તેણે આ ડ્રગ્સ સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા ફારુક ગૌરી પાસેથી મેળવ્યા હતા અને તેનો ઉદ્દેશ વડોદરાના બોરવા વિસ્તારમાં સાગર મિસ્ત્રીને ડિલિવરી આપવાનો હતો.
પોલીસે વધુમાં ખુલાસો કર્યો છે કે આ બંને વોન્ટેડ શખ્સો એક ખેપ માટે 3-3 હજાર રૂપિયા આપતા હતા. હાલે ફારુક ગૌરી અને સાગર મિસ્ત્રીને વોન્ટેડ જાહેર કરીને શોધખોળ શરૂ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે