પાટણ, 25 જુલાઈ (હિ.સ.) : પાટણમાં રાજ્યપાલના આગમન પૂર્વે નગરપાલિકા દ્વારા શહેરના હાઈવે વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી. ભાજપ શાસિત નગરપાલિકાએ આ કામગીરી માટે પૂરતો સ્ટાફ મૂક્યો હતો અને નોંધનીય રીતે, આ કામગીરી પોલીસ બંદોબસ્ત વિના જ સંપન્ન કરવામાં આવી હતી. રાજ્યપાલના આગમનને પગલે હાઈવે પરથી મોટી સંખ્યામાં ઢોર પકડાયા હતા.
સામાન્ય રીતે પાટણ નગરપાલિકા માત્ર રાજકીય નેતાઓ કે મહાનુભાવોના આગમન સમયે જ ઢોર પકડવાની કામગીરી સક્રિય કરે છે. શહેરના નાગરિકો ડબલ વેરા ભરે છે છતાં રખડતા ઢોરની સમસ્યા યથાવત રહે છે. નગરપાલિકા નિયમિત રીતે પોલીસ બંદોબસ્ત ન મળવો, સ્ટાફની અછત, અથવા ગૌશાળાઓ ઢોર ન સ્વીકારે એવા બહાના બતાવે છે. આજે કોઈ ચિંતા કર્યા વગર ઝડપથી કામગીરી કરાઈ.
પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે આ મામલે જણાવ્યું હતું કે પાટણની જનતાનું જીવન પણ નેતાઓ જેટલું જ મૂલ્યવાન છે. તેમણે માગ ઊઠાવી કે આજે જે રીતે કાર્યક્ષમ રીતે ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી છે, તેવી જ કામગીરી નિયમિત અને કાયમી ધોરણે કરવામાં આવે. કોંગ્રેસે રખડતા ઢોરની સમસ્યાના કાયમી ઉકેલની માંગણી કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર