ગીર સોમનાથ 25 જુલાઈ (હિ.સ.) ઉના તાલુકાના નેસડા ગામની પ્રાથમિક શાળામાં 118 વિદ્યાર્થીઓની સ્થિતિ દયનીય બની છે. શાળાના કુલ 7 વર્ગખંડોમાંથી 4 વર્ગખંડો અત્યંત જર્જરિત છે. ચોમાસા દરમિયાન વર્ગખંડોમાં પાણી ટપકે છે. મધ્યાહન ભોજનનું રસોડું છેલ્લા 7 વર્ષથી બિસ્માર હાલતમાં છે. સંચાલકોને પોતાના ઘરેથી બાળકો માટે ભોજન બનાવીને લાવવું પડે છે. જર્જરિત સ્થિતિને કારણે શાળા બે પાળીમાં ચલાવવી પડે છે. શાળામાં પાયાની સુવિધાઓનો પણ અભાવ છે.
શૌચાલયની યોગ્ય વ્યવસ્થા નથી, માત્ર કામચલાઉ શૌચાલય બનાવવામાં આવ્યું છે. ચોમાસામાં આચાર્યને વીજ ઉપકરણોને પ્લાસ્ટિકથી ઢાંકીને બચાવવા પડે છે. આચાર્યે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે. અધિકારીઓ કહે છે કે મરામત માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને એજન્સી નક્કી થયા બાદ કામ શરૂ થશે.
જોકે, આ વાત લાંબા સમયથી કહેવામાં આવે છે, પરંતુ ઉના પંથકની એક પણ શાળામાં મરામતનું કામ શરૂ થયું નથી. ગામમાં વૈકલ્પિક મકાન ભાડે ન મળતું હોવાથી વિદ્યાર્થીઓને જોખમ સાથે આ જર્જરિત શાળામાં અભ્યાસ કરવો પડે છે. શિક્ષણ વિભાગ તાત્કાલિક મરામતની કામગીરી શરૂ કરે તેવી માંગણી ઉઠી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ