પાટણ, 25 જુલાઈ (હિ.સ.) : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પાટણ જિલ્લાના રામનગર ખાતે આવેલ સ્ટેટ ફ્રોઝન સિમેન પ્રોડકશન અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી હતી. દેશી ગાયની નસલ સુધારણા અને પશુપાલકોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ રાજ્યપાલે બોવાઇન સીમેન સેક્સિન્ગ ઈન્સ્ટીટ્યૂટમાં તજજ્ઞો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.
ગુજરાત પશુધન વિકાસ બોર્ડ દ્વારા સંચાલિત આ ઇન્સ્ટિટ્યૂટમાં 192 બુલની ક્ષમતા ધરાવતી 8 શેડ, સિમેન કલેકશન શેડ, બાયોસિક્યુરિટી ઝોન અને લેબોરેટરી જેવી આધુનિક સુવિધાઓ છે. અહીં ભારત સરકારના તમામ બાયોસિક્યુરિટી નિયમોનું પાલન થતું હોય, અને શ્રેષ્ઠ ગુણવત્તાવાળું ફ્રોઝન સિમેન ડોઝ તૈયાર કરવામાં આવે છે.
જૂન 2021થી અહીં લિંગ નિર્ધારિત સીમેન ડોઝનું ઉત્પાદન પણ શરૂ થયું છે, જેના કારણે 90%થી વધુ વાછરડી કે પાડી પ્રાપ્ત થાય છે. ગુજરાત સરકાર પશુપાલકોને માત્ર રૂ. 50 પ્રતિ ડોઝના દરે આ સેવાઓ પ્રદાન કરે છે. રાજ્યપાલે રાજ્યના પશુપાલકોને સેક્સ શોર્ટેડ સિમેન યોજના નો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ અવસરે પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુનીબેન ઠાકર, જિલ્લા કલેકટર તુષાર ભટ્ટ, એસ.પી. વી.કે. નાયી, ઈ.ચા. ડી.ડી.ઓ. વદનસિંહ બોડાણા, ડૉ. રાકેશ પટેલ, ડૉ. પ્રદીપ પટેલ અને ડૉ. હસમુખ જોશી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર