પાટણ, 25 જુલાઈ (હિ.સ.)પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પદવીદાન અને સુવર્ણ પદક એનાયત સમારોહ યોજાયો હતો. યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાયેલા આ સમારોહમાં વર્ષ 2020થી 2023 સુધીના કુલ 359 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં 230 વિદ્યાર્થી અને 129 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. રાજ્યપાલના હસ્તે ચાર વિદ્યાર્થીનીઓને પદક આપીને ખાસ સન્માનિત કરવામાં આવી હતી.
સમારોહમાં બે મહાનુભાવોને ડી.લિટની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી. પૂર્વ JNU પ્રોફેસર ડૉ. કપિલ કપૂર અને પુનરુત્થાન વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલર ઇન્દુમતી કાટદરે આ માનદ પદવીના પાત્ર બન્યા હતા. રાજ્યપાલે બંનેને શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલું જ્ઞાન સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે વાપરવું જોઈએ, એ જ તેમનું પરમ કર્તવ્ય છે.
સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડૉ. જયંતિ ભાડેસિયા, યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રોહિત દેસાઈ, કલેકટર, વિવિધ ડીનઓ, અધ્યાપકો, કારોબારી સભ્યો, પદક મેળવનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ હાજર રહ્યા હતા. રાજ્યપાલે જણાવ્યું કે રાજ્યની 32 યુનિવર્સિટીઓમાં પદવીદાન સમારોહ દરમ્યાન 80 ટકા જેટલી વિદ્યાર્થીનીઓ ગોલ્ડ મેડલ મેળવે છે, જે મહત્વપૂર્ણ ઉદ્દાહરણ છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર