કચ્છનાં વિદ્યાર્થીઓની ચિંતા કરીને, નવા શિક્ષકો શિક્ષણકાર્ય કરાવે: 419 માધ્યમિક શિક્ષકોને નિમણૂક પત્રો અપાયા
ભુજ - કચ્છ, 25 જુલાઈ (હિ.સ.) કચ્છ જિલ્લાના માધ્યમિક શિક્ષણના માળખામાં વધુ નવા શિક્ષકો સામેલ થયા છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક ભરતી અંતર્ગત 419 શિક્ષકને નિમણૂક પત્રો ગુરુવારે આપવામાં આવ્યા હતા. સહુ શિક્ષકો કચ્છના શિક્ષણને ઊંચું લાવે તેવ
નવા શિક્ષકોને કચ્છની શાળાઓ માટે અપાયા ઓર્ડર


ભુજ - કચ્છ, 25 જુલાઈ (હિ.સ.) કચ્છ જિલ્લાના માધ્યમિક શિક્ષણના માળખામાં વધુ નવા શિક્ષકો સામેલ થયા છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક ભરતી અંતર્ગત 419 શિક્ષકને નિમણૂક પત્રો ગુરુવારે આપવામાં આવ્યા હતા. સહુ શિક્ષકો કચ્છના શિક્ષણને ઊંચું લાવે તેવી લાગણી વ્યકત કરીને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા સૂચન કરાયું હતું.

બહારના ઉમેદવારોની ગુણવત્તા સુધારણા માટે તત્પરતા

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભુજ અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક ભરતી અંતર્ગત આજે ભુજ, માંડવી, અબડાસાના ધારાસભ્યના હસ્તે સરકારી માધ્યમિકના શિક્ષકોને નિમણૂક પત્રોનું વિતરણ કરાયું હતું, જેમાં કચ્છ તેમજ કચ્છ બહારના ઉમેદવારોએ કચ્છના શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે તત્પરતા દાખવી હતી. જિલ્લામાં સરકારી માધ્યમિક શાળાઓની ભરતી અન્વયે ઓલ્ફ્રેડ હાઇસ્કૂલ ભુજ ખાતે કચ્છની સરકારી માધ્યમિક શાળાઓ માટે ફાળવાયેલા 419 શિક્ષકને નિમણૂક પત્રો આપવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આજે પ્રથમ દિને 317 ઉમેદવાર હાજર થયા હતા.

25થી 30 ટકા સ્થાનિક ઉમેદવારોને તક મળી

બે-ત્રણ દિવસ સુધી ચાલનારી પ્રક્રિયા દરમ્યાન વધુ ઉમેદવાર મળશે. આ ભરતીમાં કચ્છના સ્થાનિક ઉમેદવારોની સંખ્યા પણ 25થી 30 ટકા જેટલી છે. આજના કાર્યક્રમમાં ભુજ વિભાગના ધારાસભ્ય કેશુભાઈ પટેલે કચ્છનાં બાળકોની ચિંતા કરી શિક્ષણકાર્ય કરાવવા નવનિયુક્ત ઉમેદવારોને અનુરોધ કરી નાશ્ચિંતપણે નોકરી કરવા શુભકામના પાઠવી હતી. માંડવી વિભાગના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ શિક્ષક બનવું એ સૌભાગ્યની વાત ગણાવી પ્રેમપૂર્વક નોકરી કરવા જણાવ્યું હતું.

અબડાસાના ધારાસભ્યની અપીલ

અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજાએ તમામ તાલુકામાં કોઈ પણ અગવડ પડે, તો જનપ્રતિનિધિઓ કોઈ પણ સમયે ઉપયોગી બનશે એવી ખાતરી આપી હતી. જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે નવનિયુક્ત શિક્ષકોને આવકારી ધગશ પૂર્વક શિક્ષણકાર્ય કરાવવા અનુરોધ કર્યો હતો.

શિક્ષણ તંત્રની ટીમે કામગીરી સંભાળી

આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઇ ગઢવી, એન. એ. મન્સુરી, બિપિનભાઈ વકીલ, પૃથ્વીરાજાસિંહ ઝાલા સહિત જિલ્લાની સમગ્ર વર્ગ-2 આચાર્યની ટીમ, તમામ મદનીશ શિક્ષણ નિરીક્ષકો, કચેરીના હિસાબી અધિકારી ભરતભાઈ મકવાણા, હેડ ક્લાર્ક કૃણાલભાઈ મકવાણા, સિનિયર ક્લાર્ક બિપિનભાઈ નાગુ અને તેમની વહીવટી ટીમ, ઓફ્રેડ હાઇસ્કૂલ ભુજના આચાર્ય અને રાજ્ય સરકારી શિક્ષક સંઘના પ્રમુખ દિવ્યરાજાસિંહ જાડેજા, શૈક્ષિક સંઘના અધ્યક્ષ નયનભાઈ વાંઝા ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande