જામનગર, 25 જુલાઈ (હિ.સ.) : જામનગર માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લામાં વરસાદના પરિણામે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. ચોમાસામાં વાહનચાલકોને તકલીફ ન પડે તે હેતુથી વિવિધ જગ્યાઓ પર માર્ગ મરામતની કામગીરી પૂર્ણ કરી જિલ્લાના વિવિધ માર્ગોને વાહન વ્યવહાર માટે અનુકૂળ બનાવ્યા છે.
આ સમારકામમાં લાલપુર ત્રણ પાટિયા રોડ, જામનગર સમાણા ફૂલનાથ રોડ, ધ્રોલ ભાદરા પાટિયા રોડ, મોટા વડાળા સણોસરા રોડ, અને અલિયાબાડા વિજરખી રોડનો સમાવેશ થાય છે. તેમજ ચોમાસાની ઋતુ ધ્યાને લેતા માર્ગો પર જરૂરિયાત મુજબ મેટલ પેચ, વેટ મિક્સ પેચ, અને કોંક્રિટ પેચ કરીને રસ્તાઓનું સમારકામ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, નાગરિકોને સુગમ અને સુરક્ષિત માર્ગો ઉપલબ્ધ થાય તે માટે જિલ્લા કલેકટર કેતન ઠક્કર દ્વારા ચોમાસાના પરિણામે નુકસાન થયેલા રસ્તાઓનો સર્વે કરીને તાકીદે તેના રિપેરિંગનું કામ પૂર્ણ કરવા તંત્રને જણાવાયું હતું. જેને અનુલક્ષીને માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર વિજય ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ વિભાગ દ્વારા વિવિધ માર્ગો પર પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DAVAL NILESHBHAI BHATT