વલસાડ, 25 જુલાઈ (હિ.સ.)- વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ મદ રાજચંદ્ર મિશન કોન્સોલીડેટેડ કોમ્યુનિટી ડેવલપમેન્ટના સયુંક્ત ઉપક્રમે પોક્સો- 2012 (જાતીય ગુના સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ-2012) હેઠળ જાગૃતિ સેમિનાર ધરમપુર તાલુકાના બરૂમાળ ગામમાં આવેલી બારીયા ફળિયા પ્રાથમિક શાળા અને ચીચોઝર પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં કાનુની સત્તામંડળના વકીલ યોગીનીબેન પટેલ દ્વારા પોક્સો- 2012 કાયદા વિશે અને ગુડ ટચ અને બેડ ટચ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
વલસાડના સખી વન સ્ટોપ સેન્ટરના સાયકોલોજી કાઉન્સેલર ઉર્વશીબેન વસાવા દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરમાં આપવામાં આવતી સુવિધાઓ અને અભયમ 181 ટોલ ફ્રી નંબર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડીનેટર જિજ્ઞેશ પટેલ દ્વારા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીની વિવિધ યોજનાઓ બેટી બચાઓ બેટી પઢાવો યોજના, વ્હાલી દિકરી યોજના તેમજ પાલક માતા પિતા યોજના વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્ર્મમાં મદ રાજચંદ્ર CCD વિભાગના કર્મચારીઓ, શાળાના શિક્ષકો તેમજ બાળકો હાજર રહ્યાં હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે