મહેસાણા, 25 જુલાઈ (હિ.સ.) શ્રદ્ધા અને ભક્તિથી ઓતપ્રોત શ્રાવણ માસનો પવિત્ર પ્રારંભ વિસનગર અને મહેસાણા સહિત સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ સાથે થયો. ગુરુવારથી શરૂ થયેલા આ શ્રાવણ માસમાં શિવભક્તોએ વહેલી સવારથી જ શિવાલયોમાં દર્શન માટે હાજરી આપી.
વિસનગરના પ્રખ્યાત જાળેશ્વર મહાદેવ સહિતના શિવ મંદિર ‘જય ભોલેનાથ’, ‘હર હર મહાદેવ’ અને ‘ઓમ નમઃ શિવાય’ના નાદોથી ગુંજી ઉઠ્યાં. ભક્તોએ ભોલેનાથને જળ, દૂધ, ધતૂરો, બિલ્વપત્ર અને પુષ્પોથી અભિષેક કરી ભક્તિભાવથી પૂજા અર્પી.
શિવજીના દર્શન માટે ભક્તો લાંબી કતારોમાં ઊભા રહ્યા અને શ્રદ્ધાપૂર્વક મનોકામનાઓની પૂર્ણતાના આશિર્વાદ માગ્યા. સમગ્ર પંથકમાં ધર્મ અને ભક્તિનો ઉદ્દીપક માહોલ સર્જાયો છે, જેમાં મહેસાણા અને આસપાસના ગામોથી આવેલા ભક્તો પણ શિવમય અનુભૂતિથી ભરાયેલા જોવા મળ્યા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR