બોટાદ 25 જુલાઈ (હિ.સ.) બોટાદ જિલ્લામાં “બેટી બચાવો, બેટી પઢાવો” અંતર્ગત વિદ્યાર્થી માર્ગદર્શન કાર્યક્રમ
બોટાદ જિલ્લામાં મહિલા અને બાળ સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વિભાગ અને મહિલા બાળ અધિકારીના સંકલિત પ્રયાસોથી ખાંભડા ગામની પ્રાથમિક શાળામાં વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ “બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાન અંતર્ગત યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીનીઓને લૈંગિક શોષણથી બચાવના મુદ્દે “ગુડ ટચ – બેડ ટચ” વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. બાળકોને સરળ અને સમજાય તેવી ભાષામાં શું યોગ્ય સ્પર્શ છે અને શું અયોગ્ય તે સમજાવવામાં આવ્યું અને અસહજ અનુભવ થતો હોય ત્યારે તરત માતા-પિતા, શિક્ષક કે પોલીસને જાણ કરવાની સલાહ આપવામાં આવી.
સાથે સાથે વિદ્યાર્થીઓને મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ જેવી કે કુંવરબાઈનું મામેરું, વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ યોજનાઓ, સન્માન યોજના વગેરેની માહિતી પણ આપવામાં આવી.
આ પ્રવૃત્તિના માધ્યમથી બાળકોમાં આત્મવિશ્વાસ વધે, તેમનું રક્ષણ સુનિશ્ચિત થાય અને ખાસ કરીને બાળકીશિક્ષણ પ્રત્યે સમજૂતી વધે તે હેતુ ધરાવતો હતો.
અંતે વિદ્યાર્થીઓ તેમજ શાળાના સ્ટાફે આવી જાગૃત્તિમુલક પ્રવૃત્તિ માટે આભાર વ્યક્ત કર્યો અને આવાં કાર્યક્રમો નિયમિત યોજવા વિનંતી કરી.
આ કાર્યક્રમ દ્વારા “બેટી બચાવો, બેટી પઢાવો” સંદેશ સમાજમાં પ્રસારી રહ્યો છે અને આગામી પેઢી માટે વધુ સજાગ અને સુરક્ષિત માહોલ સર્જાઈ રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai