અમરેલી 25 જુલાઈ (હિ.સ.) : સામુહિક જનઆરોગ્ય કેન્દ્રથી સૌના આરોગ્યને મળ્યું સુરક્ષાકવચ સ્વસ્થ શરીરમાંજ સ્વસ્થ મન વસે છે – આ મૂળમંત્રને સાર્થક બનાવતા અમરેલી જિલ્લાના બગસરા ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નવનિર્મિત સામુહિક જનઆરોગ્ય કેન્દ્રના ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ આરોગ્ય કેન્દ્રના શુભારંભથી બગસરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને સમયસર આરોગ્યલાભ મળે તેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. આધુનિક તબીબી સાધનો અને કુશળ તબીબી સ્ટાફ દ્વારા સામાન્ય રોગોની સારવારથી માંડીને માતૃ અને શિશુ આરોગ્ય, રોગ નિવારણ અને રસીકરણ જેવી આરોગ્યલક્ષી સેવાઓ મળી રહેશે.
જિલ્લાના અંતિમ વ્યક્તિ સુધી તબીબી સેવાઓ પહોંચે, સમયસર સારવાર મળે અને લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે હેતુસર શરૂ થયેલ આ કેન્દ્ર વિસ્તારમાં આરોગ્ય સુધાર માટે મજબૂત કડી સાબિત થશે. સામાન્ય OPD સેવાઓ ઉપરાંત અગત્યકાળની સારવાર, લેબ ટેસ્ટ, પોષણ અને માતૃત્વ સેવાઓ પણ સરળતાથી પ્રાપ્ત થશે.
આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યું કે, આવા આરોગ્ય કેન્દ્રો ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સુધારનો મુખ્ય આધાર બની રહેશે અને સરકારી દ્રષ્ટિકોણ ‘સૌનું આરોગ્ય, સૌનું કલ્યાણ’ને વાસ્તવિક રૂપ આપે છે.
આ નવું આરોગ્ય કેન્દ્ર હવે માત્ર સારવાર પૂરતું મર્યાદિત નહીં રહે, પણ એક આરોગ્ય જાગૃતિ કેન્દ્ર તરીકે પણ કાર્ય કરશે – જે લોકોમાં આરોગ્ય પ્રત્યેની જાગૃતિ ઊભી કરશે અને તેમને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની પ્રેરણા આપશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai