મહેસાણા, 25 જુલાઈ (હિ.સ.) વિજાપુર તાલુકાના ગવાડા ગામની શેઠ સી.વી. વિદ્યાલય હાઈસ્કૂલે વિદ્યાર્થીઓ અને સ્થાનિક મહિલાઓ માટે ઉમદા પહેલ કરી છે. ઘણા બાળકો ગરીબ પરિવારમાંથી હોય છે અને ભૂખ્યા શાળાએ આવે છે, જેને ધ્યાનમાં રાખી ટ્રસ્ટી સૂર્યકાંતભાઈ શાહે માત્ર ₹10 માં પૌષ્ટિક ભોજન આપવાની યોજના શરૂ કરી છે. બાકીનો ખર્ચ તેઓ પોતે આપે છે.
ગામની મહિલાઓ દ્વારા દાળ-બાટી, પૌવા, છોલે ભટુરે જેવા નાસ્તા બનાવાય છે, જેના લીધે તેમને રોજગારી પણ મળે છે. શાળાના આચાર્ય અને વિદ્યાર્થીઓના મત પ્રમાણે આ યોજના બાળ ભણતર અને હાજરીમાં નોંધપાત્ર સુધારો લાવી છે, અને બાળકો માં શાળા છોડવાનું પ્રમાણ પણ ઘટ્યું છે.
આ શ્રેષ્ઠ પહેલને હવે દાતા જુગલજી ઠાકોરનો સહયોગ પણ મળ્યો છે. આજે આશરે 200થી વધુ વિદ્યાર્થીઓ લાભ લે છે અને શાળા એક સંવેદનશીલ શિક્ષણ મોડેલ બની છે, જે અન્ય શાળાઓ માટે પણ પ્રેરણારૂપ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR