પાટણ, 25 જુલાઈ (હિ.સ.)પાટણમાં વિદેશમાં નોકરી અપાવવાના બહાને એક યુવક સાથે છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. હારીજના ઝાપટપુરા ગામના રહેતા 32 વર્ષીય ધરતીજી કાંતીજી તેજાજી ઠાકોરે પાટણ સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે તેઓ 2021થી દિનેશભાઈ નાથાલાલ ઠક્કર સાથે ઓફિસ બોય તરીકે કામ કરતા હતા. દિનેશભાઈ હારીજના રહીશ છે અને હાલમાં પાટણના શ્રીરામ ફ્લેટમાં રહે છે.
દિનેશભાઈએ ફરિયાદીને દુબઈમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી અને માસિક ₹50,000 પગાર આપવાનું વચન આપ્યું હતું. ત્યારબાદ તેમને તેમના ભાઈ ચિરાગ ઠક્કરનો સંપર્ક કરવા કહ્યું. ફરિયાદી અમદાવાદ ગયા અને ચિરાગ સાથે મુલાકાત કરી. ચિરાગે એક અજાણ્યા વ્યક્તિને તેમની પાસે મોકલ્યો અને ફરિયાદીએ પોતાના પાસપોર્ટ, આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા મહત્વના દસ્તાવેજો આપ્યા.
આરોપીઓએ દસ્તાવેજોના દુરુપયોગથી લંડન (યુકે) સ્થિત FINNZOO CAPITAL LIMITED 15449273 નામની કંપનીના નામે ફરિયાદીની જાણ બહાર છેતરપિંડી આચરી. આ સમગ્ર કારસ્તાનમાં દિનેશભાઈ અને ચિરાગે મળી એકબીજાને મદદ કરી હતી. આ મામલે IPC કલમ 420 અને 114 હેઠળ ગુનો નોંધાઈ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર