ભુજ – કચ્છ, 25 જુલાઇ (હિ.સ.) : વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરની 50,000 જેટલી વસ્તીને પીવાનું પાણી પુરુ પાડતા એકમાત્ર નગરપાલિકા હસ્તકના નગાસર તળાવની પાણી સંગ્રહની ક્ષમતા વધારવા માટે અને સાફ-સફાઈ કરવા માટેની નગરપાલિકા દ્વારા એસી લાખના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવશે.
નર્મદાના પાણી ઉપર રાખવો પડે છે આધાર
આ અંગે માહિતી આપતાં નગરપાલિક ના પ્રમુખ ચાંદભાઇ ભીંડેએ જણાવ્યું હતું કે, શહેર ને પીવાનું પાણી પુરુ પાડતા નગાસર તળાવની ક્ષમતા ઓછી છે. પીવાના પાણી માટે એક માત્ર નર્મદા કેનાલ પર આધાર રાખવો પડે છે. જ્યારે કેનાલ બંધ હોય છે અને એકાંતરે તળાવમાંથી પાણી વિતરણ કરવામાં આવે છે ત્યારે સમસ્યા સર્જાઇ શકે છે.
દોઢ બે મીટર ઊંડું કરવા જળકુંભીની સફાઇ થશે
નગરપાલિકા દ્વારા નગાસર તળાવને દોઢ બે મીટર ઉંડુ કરવા માટે અને તળાવમાં ઉગી નિકળેલ જળકુંભી તથા અન્ય વનસ્પતિને દૂર કરવા માટે તથા ગ્રીલ રિપેરિંગ કરી રંગરોગાન તેમજ નગાસર તળાવની ફરતે વોકિંગપથ ને વ્યવસ્થિત રીતે બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા બહાર પાડવામાં આવી હતી જે માટે એજન્સી નક્કી થઈ ગઈ છે અને ટુંક સમયમાં વર્ક ઓર્ડર આપવામાં આવશે.
તો….. બે અઢી મહિના પાણી આપી શકાશે
રાપર શહેરની વસ્તીને જો તળાવ ભરાયેલું હોય તો એક દોઢ મહિના સુધી પાણી વિતરણ કરી શકાય છે અને હવે ઉંડુ થઈ જશે ત્યારે બે અઢી મહિના સુધી પાણી વિતરણ કરી શકાશે તેમ જણાવ્યું હતું. નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં આ કામગીરી હાથ ધરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA