જામનગર, 26 જુલાઈ (હિ.સ.) : જામનગરના રણજીતનગર વિસ્તારમાં ગઈકાલે સાંજે એક વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપનો પ્રયાસ થયો હતો. અજાણ્યા ટુ વ્હીલર ચાલકે ઝૂંટ મારી ચેઈન છીનવ્યો હતો પરંતુ આ વૃદ્ધાએ પાડેલી બૂમથી ગભરાઈ જઈ આ શખ્સ ચેઈન ફેંકીને નાસી ગયો હતો. ત્રણ ટૂકડા થઈ ગયેલા ચેઈનને પરત મેળવી પોલીસને જાણ કરાઈ છે.
મળતી માહિતી મુજબ, જામનગરના રણજીત નગર વિસ્તારમાં આવેલા પટેલ સમાજ નજીક હાઉસીંગ બોર્ડના ફલેટમાં રહેતા લક્ષ્મીબેન નાગડા નામના ૭૯ વર્ષના વૃદ્ધા ગઈકાલે સાંજે પોતાના ઘરેથી બહાર જવા માટે નીકળ્યા પછી તેમના એક સંબંધી વાહન લઈને આવતા હોવાથી તેની રાહ જોઈને રોડ પાસે ઉભા હતા.
આ વેળાએ એક અજાણ્યો શખ્સ ટુ વ્હીલર પર ધસી આવ્યો હતો. આ શખ્સે લક્ષ્મીબેનને પગમાં પોતાનું વાહન ટકરાવી પછાડી દીધા હતા. આ વૃદ્ધા કંઈ સમજે તે પહેલા તેમના ગળામાં રહેલો સોનાનો ચેઈન ઝૂંટવવાનો આ શખ્સે પ્રયાસ કર્યાે હતો.
પરિસ્થિતિ પારખી ગયેલા લક્ષ્મીબેને બૂમો પાડતા ગભરાયેલો આ શખ્સ હાથમાં આવી ગયેલો સોનાનો ચેઈન ત્યાં જ ફેંકી પોતાના વાહન પર પલાયન થઈ ગયો હતો. ઝૂંટ મારવાના કારણે લક્ષ્મીબેનનો ચેઈન તૂટીને ત્રણ કટકામાં ફેરવાઈ ગયો હતો.
આ મહિલાની બૂમો સાંભળી તેમના પરિવારજનો તથા અન્ય વ્યક્તિઓ દોડી આવ્યા હતા. બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આ મહિલાનું નિવેદન નોંધી અજાણ્યા શખ્સ સામે ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
સરાજાહેર બનેલા આ બનાવના પગલે ચકચાર જાગી છે. વૃદ્ધાની સતર્કતાના કારણે તેઓનો સોનાનો ચેઈન લૂંટાઈ જતો બચ્યો છે. આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવા સહિતની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DAVAL NILESHBHAI BHATT