સુરત, 26 જુલાઈ (હિ.સ.)- શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં રૂ.૭૩ કરોડના કામોનું લોકાર્પણ અને રૂ.૩૬૨.૪૫ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરીને સુરતવાસીઓને રૂ.૪૩૫.૪૫ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી. મુખ્યમંત્રીના હસ્તે સુરત મનપા દ્વારા જરૂરિયાતમંદ નાગરિકો માટે નવનિર્મિત ૧૪૯૪ પી.એમ.આવસોનો કોમ્પ્યુટરાઈઝડ ડ્રો પણ કરવામાં આવ્યો હતો. સુરત શહેરને સુપર સ્વચ્છ લીગમાં અગ્રિમ સ્થાન અપાવનાર, ‘સ્વચ્છ સુરત’ માટે પાયારૂપ સ્વચ્છતાકર્મીઓ સાથે સંવાદ કરી મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.
સુરત મનપાની શાળાઓમાં ઈનોવેટિવ એજ્યુકેશન આપવાના હેતુથી નિર્મિત રોબોટિક લેબ્સ કાર્યરત થઈ છે, જે અંગે સુમન શાળાઓના વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રીને AI બેઝ્ડ સ્માર્ટ એન્ડ ઈનોવેટિવ એજ્યુકેશન અંગે માહિતગાર કર્યા હતા. સુરત મનપાના રોબોટિક લેબ્સ નિદર્શન સ્ટોલની મુલાકાત લઈ મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ, નાણા, ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અડાજણ-પાલના સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે આયોજિત સમારોહમાં સુરતવાસીઓને સંબોધતા જણાવ્યું હતું કે, શહેરી વિકાસ વર્ષ અંતર્ગત સુરત શહેર- જિલ્લામાં શ્રેણીબદ્ધ વિકાસ કામો થઈ રહ્યા છે. સુરતીઓની સુખસુવિધા વધારતા કરોડોના વિકાસના કામો સુરતીઓના ‘ઈઝ ઓફ લિવિંગ’માં વધારો કરશે.
છેલ્લા બે દાયકાની સુરતની અવિરત વિકાસયાત્રાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, છેલ્લા ૨૦ વર્ષમાં વિવિધ વિકાસ પ્રકલ્પોની વણઝારથી સુરતની કાયપલટ થઈ છે, સુરતવાસીઓની સુખાકારી, ઈઝ ઓફ લિવિંગમાં વધારો થયો છે. સાથોસાથ સુરતે સ્વચ્છતાના ક્ષેત્રમાં દેશભરમાં નવી ઓળખ ઉભી કરી છે.
આજના કરોડોના વિકાસકામો અને ભવિષ્યલક્ષી આયોજનને સુરત ઇકોનોમિક રિજીયનમાં સામાજિક, આર્થિક, ઔદ્યોગિક ક્ષેત્રે મોટું પરિવર્તન લાવનારા ગણાવી વિકસિત ગુજરાતના નિર્માણમાં સુરત અગ્રિમ યોગદાન આપશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
'સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪' અંતર્ગત સુપર સ્વચ્છ લીગમાં દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં સર્વોચ્ચ અંકો મેળવવા સાથે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં દેશભરમાં સર્વોચ્ચ સ્થાન મેળવનાર સુરત મહાનગરપાલિકાને તેમજ સુરતવાસીઓને મુખ્યમંત્રીએ અભિનંદન આપ્યા હતા. સ્વચ્છતા અને વિકાસમાં શિરમોર સ્થાન મેળવી સુરત શહેરે ‘સુરત સોનાની મૂરત’ની ઉક્તિ સાર્થક કરી હોવાનું જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ સુરતને દેશના સૌથી ચાર સ્વચ્છ શહેરોની સુપર સ્વચ્છ લીગમાં સ્થાન મેળવી કાયમી સ્વચ્છ શહેરની સિદ્ધિ બદલ સુરતની સ્વચ્છતા ટીમ અને કર્મચારીઓના પુરૂષાર્થ-પરિશ્રમને બિરદાવતા જણાવ્યું કે, ‘સ્વચ્છ સુરત’ માટે પાયાના પથ્થર સમાન સૌ સ્વચ્છતાકર્મીઓ સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ બન્યા છે. ખાસ કરીને સ્વચ્છતાને સ્વભાવમાં વણી લઈ સુરતની સ્વચ્છતાને જાળવી રાખવા કર્તવ્યનિષ્ઠ બનવા ભારપૂર્વક અનુરોધ કરી જળ-પર્યાવરણ-ઊર્જા સંરક્ષણ દ્વારા વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાર્થક કરવા આહ્વાન કર્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે. આ સંકલ્પપૂર્તિ માટે ગુજરાતે 'અર્નિંગ વેલ, લિવિંગ વેલ’ના મંત્ર સાથે શહેરોને ગ્રોથ હબ તરીકે વિકસાવીને ‘વિકસિત ગુજરાત@૨૦૪૭’નો રોડમેપ બનાવ્યો છે. સુરત શહેર અને આસપાસના વિસ્તારોના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે ગ્રોથ હબના રૂપમાં વિકસાવવાનો પ્લાન અમલી છે, ત્યારે વડાપ્રધાનના વર્ષ ૨૦૭૦ સુધીમાં નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટના લક્ષ્યની દિશામાં ઇ-મોબિલિટી પર ખાસ ભાર મૂક્યો હોવાનું ઉમેર્યું હતું. ૧૦૮ કિમીના બી.આર.ટી.એસ રૂટ સાથે ૪૫૦ ઈ-બસોનું સંચાલન કરી સુરત ગ્રીન મોબિલિટીના ક્ષેત્રમાં દેશભરનું પ્રથમ ક્રમનું શહેર બન્યું છે એનો ઉલ્લેખ કરી તેમણે સુરત મનપા અને અધિકારીઓને બિરદાવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૦૫માં રાજ્યના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં પહેલીવાર શહેરી વિકાસ વર્ષ ઉજવવાની શરૂઆત કરી હતી, જેનાથી ગુજરાતના શહેરીકરણને નવી દિશા મળી છે. સરકારે રાજ્યના શહેરોને વિશ્વ કક્ષાના બનાવવા માટે વર્ષ ૨૦૨૫ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી ‘શહેરીકરણ સમસ્યા નહીં, પણ અવસર’ એવા મંત્ર સાથે નગરો-મહાનગરો અને ગામોને ‘ગ્રીન, ક્લીન અને સ્વચ્છ’ બનાવવા સતત પ્રયત્નશીલ છે. રાજ્યના શહેરો ગ્રીન ગ્રોથ અનૂકૂળ બને એવું રાજ્ય સરકારનું વિઝન હોવાનું કહ્યું હતું.
આજે કારગીલ વિજય દિવસે મુખ્યમંત્રીએ કારગીલ યુદ્ધમાં વિજયના પરાક્રમી નાયકો, શહીદ વીર સૈનિકોનું સ્મરણ કરી અંજલિ અર્પણ કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેનાનું મનોબળ વધારી દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા સાથે વિકાસની રાજનીતિથી વિકસિત ભારતના નિર્માણ માટે દિનરાત કાર્યરત છે, ત્યારે દેશના વડાપ્રધાન તરીકે ૪૦૭૯ દિવસનો કાર્યકાળ પૂર્ણ કરી રાષ્ટ્ર સેવાથી સાચા જનસેવકની પ્રતીતિ કરાવી છે એમ જણાવી યશસ્વી કાર્યકાળ બદલ વડાપ્રધાનને શુભકામના પાઠવી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સુરતનો વિકાસ સમગ્ર દેશ માટે દિશાસૂચક બન્યો છે. સમગ્ર વિશ્વમાં સુરત શહેરે આગામી ૫૦ વર્ષની વસ્તી અને ઔદ્યોગિક પાણીની જરૂરિયાતની પૂર્તિનું આયોજન કર્યું છે. વડાપ્રધાનની રાહબરી હેઠળ તથા મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ સુરત તેજ ગતિથી વિકાસમાર્ગે સતત આગળ વધી રહ્યું છે. સૌથી આગળ રહેવુ એ સુરતની ટેવ અને તાસીર રહી છે. સ્વચ્છતા કર્મીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે, સ્વચ્છતા સુપર લીગમાં સુરતે સમગ્ર દેશમાં સૌથી વધુ ગુણો મેળવ્યા છે. તેમણે સૌ કોઈ સુરતીઓને સ્વચ્છતાનો ઉલ્લેખ કરીને ગૌરવ લેવાનો અનુરોધ કર્યો હતો. સુરતના નાગરિકોએ ગંદકી ન કરતા સ્વચ્છતા રાખવાની જવાબદારી વહન કરવાની હિમાયત કરી હતી.
તેમણે કહ્યું કે, કેચ ધ રેઈનના સંકલ્પમાં સૌના સહયોગ સાથે સમગ્ર દેશમાં આઠ મહિનામાં ૩૨ લાખ રેઈન વોટર હાઇવેસ્ટીગ સ્ટ્રકચરોનું નિર્માણ પૂર્ણ થયું છે. જેમાં બનાસકાંઠા જિલ્લાની વિશેષ ભૂમિકાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, બનાસ ડેરી અને ૨૭ હજાર ખેડૂતોએ જનભાગીદારી સાથે જળસંચયનું અભુતપૂર્વ કાર્ય કર્યું છે. સમગ્ર દેશમાં સાડા છ હજાર નાના મોટા ચેકડેમો આવેલા છે. ૪૦૦૦ બી.સી.એમ.(બિલિયન ક્યુબ મીટર) વરસાદ પડે છે, પણ આપણી જળસંચયની ક્ષમતા ૭૫૦ બી.સી.એમ.ની છે, જેથી વધુને વધુ જળસંચયના કાર્યો કરવાની હાંકલ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રત્યેક ધારાસભ્યને અલગથી રૂા.૫૦ લાખની ગ્રાંટ સાથે કુલ ૧૦૦ કરોડ જળસંચયના કાર્યો માટે ફાળવ્યા છે જે બદલ આભારની લાગણી વ્યકત કરી હતી.
સફાઈ કર્મચારીઓને અભિનંદન આપતાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, શહેરના નાગરિકોએ સ્વચ્છતાની તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરી સફળતા મેળવી છે. ગાંધીજીના સ્વચ્છ ભારતના સપનાને પૂર્ણ કરવા વડાપ્રધાનએ કમર કસી છે. સુરતની સ્વચ્છતા જાળવી રાખવી એ આપણી નૈતિક ફરજ બને છે.
મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે, સુરત શહેર આયોજનબદ્ધ રીતે આગળ વધતુ અને ધબકતું શહેર છે. જેમ જેમ સુરત ઝડપી વિસ્તરીત થઈ રહ્યું છે તેમ રાજ્ય- કેન્દ્ર સરકાર અને સુરત મનપા સાથે મળીને લોકોને વધુને વધુ ઈન્ફાસ્ટ્રકચર સહિતની સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે. શહેરે પૂર, પ્લેગ જેવી વિકટ પરિસ્થિતિઓમાં સૌથી સ્વચ્છ શહેર બનવાની ક્ષમતા સાબિત કરી છે. સુરતીઓનો સહયોગ અને સમજદારી આ સફળતાના મૂળમાં છે. સ્વચ્છ સુપર લીગમાં સર્વોચ્ચ સ્થાન મેળવ્યું છે, ત્યારે આ સિદ્ધિમાં પ્રત્યેક સુરતવાસી, સ્વચ્છતાદૂતનું યોગદાન છે.
આ વેળાએ 'સુરત: ફ્યુચર સિટી ઓફ વિકસિત ભારત@2047' પુસ્તિકાનું મુખ્યમંત્રી અને મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ ‘સ્વચ્છ સુરત’ માટે પાયાના પથ્થર સમાન સ્વચ્છતાકર્મીઓ સાથે ગ્રુપ ફોટો સેશનમાં ભાગ લઈને પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમ અગાઉ મુખ્યમંત્રીએ ICCC ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર- વેસુ ખાતે સુરત મનપાના કોર્પોરેટરો સાથે બેઠક યોજી હતી.
આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય સર્વ કિશોરભાઈ કાનાણી, સંદીપભાઈ દેસાઈ, અરવિંદભાઈ રાણા, મનુભાઈ પટેલ, પ્રવિણભાઈ ઘોઘારી, પૂર્ણેશભાઈ મોદી, કાંતિભાઈ બલર, ડે.મેયર ડો.નરેન્દ્ર પાટીલ, સ્થાયી ચેરમેન રાજન પટેલ, શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ, જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી, વિવિધ સમિતિના ચેરમેનો, કોપોર્રેટરો તેમજ અન્ય પદાધિકારીઓ, મનપા અધિકારીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે