ગુજરાતમા પ્રથમ વાર પાટણની શેઠ એમ.એન. હાઈસ્કૂલમાં AI ના વર્ગો શરૂ: નવી શૈક્ષણિક દિશા
પાટણ, 26 જુલાઈ (હિ.સ.) : પાટણની શેઠ એમ.એન. હાઈસ્કૂલે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રથમવાર નિઃશુલ્ક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) વર્ગો શરૂ કરીને ગુજરાતના શૈક્ષણિક ઇતિહાસમાં નવો અધ્યાય ઉમેર્યો છે. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત આ શાળાએ આ વર્ગો દર શનિવાર
ગુજરાતમા પ્રથમ વાર પાટણની શેઠ એમ.એન. હાઈસ્કૂલમાં AI ના વર્ગો શરૂ: નવી શૈક્ષણિક દિશા


પાટણ, 26 જુલાઈ (હિ.સ.) : પાટણની શેઠ એમ.એન. હાઈસ્કૂલે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રથમવાર નિઃશુલ્ક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) વર્ગો શરૂ કરીને ગુજરાતના શૈક્ષણિક ઇતિહાસમાં નવો અધ્યાય ઉમેર્યો છે. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત આ શાળાએ આ વર્ગો દર શનિવારે સવારે 10થી 1 વાગ્યા સુધી યોજવાનું નક્કી કર્યું છે. ગુજરાતની જાણીતી AI ટ્રેનર ચાર્મીશબેન મણિયાર વિદ્યાર્થીઓને તાલીમ આપશે, જે તેમને 21મી સદી માટે તૈયાર કરશે. આ અભિયાન પાછળ ઉદ્યોગપતિ અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશનના પ્રમુખ બી.કે. પટેલનો મહત્ત્વનો ફાળો છે, જેમણે સમગ્ર વર્ષના ખર્ચની જવાબદારી લીધી છે.

નવી શિક્ષણ નીતિ (NEP 2020) હેઠળ શેઠ એમ.એન. હાઈસ્કૂલે શનિવારના દિવસે 'વિદ્યા યાત્રા'ને વધુ સર્જનાત્મક બનાવવા માટે AI જેવા ઉપયોગી વિષયો શરૂ કર્યા છે. શાળાના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરના મતે, AI એ માત્ર ભવિષ્ય નહીં, પણ વર્તમાન છે. ભણતર એ માત્ર ગુણ મેળવવાનો સાધન નહીં, પણ જીવન જીવવાની તૈયારી છે. ટેક્નોલોજી અને સંસ્કારનો સમન્વય એજ શાળાની સાચી ઓળખ છે.

કાર્યક્રમ દરમિયાન શાળાના નિવૃત્ત થતાં અંગ્રેજી શિક્ષક જયેશભાઈ પરમાર અને શાળાના સેવક માતમભાઈ ભરવાડનું પરંપરા મુજબ સન્માન કરવામાં આવ્યું. તેમને 100 ગ્રામના ચાંદીના સિક્કા, શ્રીફળ, સાકર, સન્માનપત્ર અને સવારૂપિયો આપવામાં આવ્યા. કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ ડૉ. જે.કે. પટેલ, ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, ઉદ્યોગપતિ બી.કે. પટેલ, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડૉ. મધુબેન દેસાઈ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. આભાર વિધિ સુપરવાઇઝર કપુરજી ઠાકોરે અને કાર્યક્રમનું સંચાલન વિરમજી ઠાકોર અને બીનાબેન પટેલે કર્યું.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande