પાટણ, 26 જુલાઈ (હિ.સ.)કારગિલ વિજય દિવસની 26મી વર્ષગાંઠ નિમિત્તે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી દ્વારા આયોજિત મીની મેરાથોન ઉત્સાહભેર સંપન્ન થઈ. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે લીલી ઝંડી આપી દોડનો પ્રારંભ કરાવ્યો. આ મેરાથોન ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીથી એલ.એસ. હાઈસ્કૂલ, સિદ્ધપુર સુધી યોજાઈ હતી, જેમાં યુનિવર્સિટીના તથા સિદ્ધપુર તાલુકાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉમંગપૂર્વક ભાગ લીધો.
આ મેરાથોનનું મુખ્ય ઉદ્દેશ્ય કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો હતો તેમજ યુવા પેઢીમાં દેશપ્રેમ, શિસ્ત, દૃઢ નિશ્ચય, ટીમ વર્ક અને શારીરિક કસરતના ગુણોનું સંવર્ધન કરવાનું હતું. આ કાર્યક્રમ યુવાનોમાં સકારાત્મક ઉર્જા ભરવા અને સ્વસ્થ જીવનશૈલી તરફ આગળ વધવા માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યો.
કાર્યક્રમ દરમિયાન અનિતાબેન પટેલ, જશુભાઈ પટેલ, કૌશલ જોશી, વિક્રમસિંહ ઠાકોર, મુકેશભાઈ ચૌધરી અને મનીષભાઈ શેઠ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટી તરફથી ડૉ. એમ.એસ. રાવ (પ્રોવોસ્ટ), ડૉ. હિંમતસિંહ રાજપૂત (રજીસ્ટ્રાર), ડૉ. કે.એ. પટેલ (એક્ઝિક્યુટિવ રજીસ્ટ્રાર), ડૉ. ચેતનાબા રાજપૂત (ડાયરેક્ટર), ડૉ. સુનિલ જોશી (ડીન) અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર