સુરત, 26 જુલાઈ (હિ.સ.)-સુરત શહેરના રાંદેર રોડ વિસ્તારમાં રહેતા એક યુવાન વેપારી સાથે ઝુડીયો ફ્રેન્ચાઈઝી આપવાના બહાને રૂ.31 લાખની ઠગાઈ કરાયાનો બનાવ સામે આવ્યો છે. સુરત સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે ઈંદોરના પત્રકાર અને ઉજ્જૈનના વેબ ડેવલોપરની ધરપકડ કરી છે અને કોર્ટે બંનેને એક દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, નવસારીના ચીખલી વિસ્તારમાં દુકાનો ધરાવતા વેપારીને ઑનલાઇન જાહેરાત અને સંપર્કના આધારે ઝુડીયો કંપનીની ફ્રેન્ચાઈઝી આપવાનું આશ્વાસન અપાઈ રૂ.31 લાખ પડાવાયા હતા. વેપારીએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.
તપાસમાં બહાર આવ્યું છે કે આ ફ્રોડનું નેટવર્ક બિહારના નવાડા ખાતે એક ગેંગ દ્વારા સંચાલિત હતું. આ ગેંગે સોશ્યલ મીડિયા પર ફેક વેબસાઇટ અને ઈમેઈલ ID બનાવવા માટે ડેવલોપર જોઈતા છે એવી જાહેરાત મૂકી હતી, જેને ઈંદોરના પત્રકાર પ્રશાંત કસેરાએ જોયી હતી અને તેમની મુલાકાત નવાડાની ગેંગ સાથે થઇ હતી.
પત્રકારએ ઉજ્જૈનના ડેવલોપર રવિ પાટીદારનો સંપર્ક કરાવી ફેક ઝુડીયો વેબપેજ અને ઈમેઈલ ID તૈયાર કરાવ્યા હતા. આ સાઇટ અને આઈડી દ્વારા વેપારીઓને ફસાવવામાં આવતાં હતાં.
ગંભીર વાત એ છે કે નવાડા ગેંગ અગાઉ દિલ્હી પોલીસના ઓપરેશન દરમિયાન ફાયરીંગ પણ કરી ચૂકી છે, જેના કારણે તે એક વર્ષથી નજર હેઠળ હતી.
હવે સુરત સાયબર ક્રાઈમે પત્રકાર અને ડેવલોપર બંનેની ધરપકડ કરી છે અને ફ્રોડ નેટવર્કના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે