ગાંધીનગર, 26 જુલાઈ (હિ.સ.) : ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ રિસર્ચ, IAR યુનિવર્સિટી ખાતે નવિન પ્રવેશિત અન્ડરગ્રેજ્યુએટ (સ્નાતક) અને પોસ્ટગ્રેજ્યુએટ (અનુસ્નાતક) વિદ્યાર્થીઓ માટે વિવિધ કાર્યક્રમોથી સભર દીક્ષારંભ - ૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું. સ્નાતક વિદ્યાર્થીઓ માટે તારીખ ૧૫ થી ૧૮ જુલાઈ ૨૦૨૫ દરમિયાન અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે તારીખ ૨૧થી ૨૩ જુલાઈ ૨૦૨૫ દરમિયાન આ કાર્યક્રમો સંસ્થા ના પરિસરમાં યોજાયા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના વિવિધ વિભાગો અને કામગીરી સાથે પરિચિત કરાવવાનો તથા શૈક્ષણિક કાર્યક્રમો અને સંશોધન સંભાવનાઓ અંગે વિસ્તૃત માહિતી પ્રદાન કરવાનો રહ્યો હતો.
યુનિવર્સિટી ની વિવિધ વિદ્યાશાખાઓ જેવીકે સ્કૂલ ઓફ બાયોટેકનોલોજી એન્ડ બાયોએન્જિનિરીંગ , સ્કુલ ઓફ કોમ્પ્યુટીંગ એન્ડ ટેક્નોલોજી તથા સ્કૂલ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ વિ. ના કુલ નવિન પ્રવેશિત ૧૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અને ૪૫૦ થી વધુ વાલીઓએ હાજર રહી ઉત્સાહભર્યો પ્રતિસાદ આપ્યો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દિવ્ય દીપ પ્રજ્વલન સાથે કરવામાં આવી. સંસ્થાના પ્રો વી.સી અને ડિરેક્ટર બ્રિગેડિયર પી.સી.વ્યાસે સ્વાગત સંબોધન દ્વારા વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષ માં આવકાર આપ્યો હતો. રજિસ્ટ્રાર ડો.મનીષ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી ની કાર્યશૈલી વિશે, સ્ટુડન્ટ સર્વિસીસ, ઇવેન્ટસ તથા એન્ટી રેગિંગ પર પ્રવચન આપવામાં આવ્યું હતું. ડીન રિસર્ચ એન્ડ ઇનોવેશન પ્રો. આનંદ કૃષ્ણ તિવારી દ્વારા યુનિવર્સિટી ના રિસર્ચ કલ્ચર તથા પ્રવૃતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડીન એકેડેમિક ડૉ. નરેન્દ્ર કુમાર દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવૃતિઓ, વાર્ષિક સમયપત્રક તથા સ્ટુડન્ટ ક્લબ વિશે માહિતી આપવામાં આવી હતી.
સદર દીક્ષારંભમાં મુખ્ય અતિથિ તરીકે ભૌતિક સંશોધનકક્ષાની પ્રખ્યાત સંસ્થા પી.આર.એલ.ના પ્રોફેસર એન્ડ હેડ (SPASC) શ્રી દિબ્યેન્દુ ચક્રવર્તી હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સ્પેસ: ધ ન્યુ નેબરહૂડ વિષય પર તથા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પ્રો. આર.જી. કોઠારીએ રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ 2020 વિષે માર્ગદર્શન આપ્યું અને વિદ્યાર્થીઓને યોગ્ય અભ્યાસક્રમ પસંદ કરવા તથા પોતાની રુચિ અનુસાર કારકિર્દી ઘડવાની પ્રેરણા આપી હતી.
વધુમાં અન્ય વિષય નિષ્ણાતો માં ગિફ્ટ સિટી IFSC ના હેડ સંદીપ શાહ, રામ્યા પંડ્યા તથા પાર્થ પારેખ દ્વારા ગિફ્ટ સિટી માં ઉપલબ્ધ તકો વિશે જાણકારી આપવામાં આવી હતી. પ્રજાપિતા બ્રહ્માકુમારીના ઈ.વી. ગિરીશ તથા ઇસ્કોનના ઋષિકેશ દાસ દ્વારા મૂલ્યઆધારિત શિક્ષણ વિષે વિચારવિમર્શ કર્યો હતો.
જાણીતા મોટીવેશનલ સ્પીકર શ્રી આનંદ ભટનાગર દ્વારા ફીલ ધ ફાયર વિધિન વિષય પર પ્રેરણાત્મક ઉદ્દબોધન આપવામાં આવ્યું હતું. ઈન્સ્ટિટ્યુટ ઓફ પ્લાઝમા રિસર્ચ ના પ્રોફેસર ડો. મુકેશ રંજન દ્વારા પ્લાઝમાના સામાજિક ઉપયોગો અંગે પ્રેક્ટીકલ સમજ દ્વારા જાણકારી આપવામાં આવી હતી. શ્રી મિહિર શાહ દ્વારા એગ્રી-ડ્રોન વિશે તથા તથા પ્રસિદ્ધ પ્લેસમેન્ટ કંપની અપના ડોટ કો દ્વારા શિક્ષણથી રોજગારી તરફ વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગિફ્ટ સીટી સ્થિત IBM કંપનીના શ્રીમતી શેફાલી ગૌર દ્વારા વોટ્સ નેક્સટ?” વિષય પર ઉદબોધન આપવામાં આવ્યું હતું.
વધુમાં સ્ટાર્ટ અપ, પ્લેસમેન્ટ, કારકિર્દી માર્ગદર્શન, વ્યવસાયિક તકો, પરીક્ષા પદ્ધતિ, ગ્રંથાલય સેવાઓ, નાગરિક પ્રતિબદ્ધતા (એન. એસ.એસ તથા એન.સી.સી.), કાયમી રોજગારની તકોથી લઈને નવી સાહસિક પ્રવૃત્તિઓ વિશે યુનિવર્સિટીના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટી ના પ્રો વી.સી અને ડિરેક્ટર બ્રિગેડિયર પી.સી.વ્યાસ, રજિસ્ટ્રાર ડૉ. મનીષ પરમાર, ડીન એકેડેમિક ડૉ. નરેન્દ્ર કુમાર ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેનું મુખ્ય સંચાલન ડૉ. સુધીર ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં યુનિવર્સિટી ના ડીન રિસર્ચ પ્રો. આનંદ કે. તિવારી, એકઝિક્યુટિવ રજીસ્ટ્રાર ડૉ.મનોજ પટેલ, વિવિધ વિભાગોના વડા પ્રો.રીના રાજપૂત, ડૉ.બ્રિજેશ જાજલ, ડૉ.જય જોષી, તમામ ફેકલ્ટી તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ