જામનગર, 26 જુલાઈ (હિ.સ.) : મહેસાણાના વડનગર ખાતે તારીખ 20 જુલાઈ થી 24 જુલાઈ દરમ્યાન રમાયેલ આંતર જિલ્લા સબ જુનિયર મહિલા ફૂટબોલ ટુર્નામેન્ટમાં, સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ જિલ્લાઓની ટીમોની જેમ જામનગરની મહિલા ટીમ પણ ભાગ લેવા પહોંચી હતી. પોતાની સામેના રામાયેલા તમામ લીગ મેચોમાં ખૂબ સારી રમતનું પ્રદર્શન કર્યુ હતું, અને નોક આઉટમાં રાજકોટ જેવી મજબૂત ટીમ સામે સેમીફાઈનલ જીતીને, ફાઇનલમાં પોતાની મજબૂત દાવેદારી નોંધાવેલી હતી.
ફાઈનલ મેચ અમદાવાદની ખુબ જ સારી અને મજબૂત ગણાતી ટીમ સામે રમાયો. જેમાં પણ નિર્ધારિત સમયમાં જામનગરની ટીમે અમદાવાદની ટીમને એક પણ ગોલ કરવા દીધો ન હતો. અને મેચ 0-0 પર સમાપ્ત થયો હતો. ત્યારબાદ પેનલ્ટી શૂટ આઉટમાં પણ ખૂબ રસાકાસી બાદ અમદાવાદની ટીમ 4-3 ના સ્કોરથી વિજેતા બની હતી, અને જામનગરની ટીમ ઉપવિજેતા રહી હતી.
સમગ્ર ટુર્નામેન્ટમાં ખુબ જ સારા પ્રદર્શન માટે, ગુજરાત રાજ્યના સિનિયર ખેલાડીઓ, આયોજકો, અને ઉપસ્થિત મહેમાનોએ બંને ટીમોને ફાઇનલમાં શુભેચ્છાઓ પાઠવી હતી. આ ટુર્નામેન્ટમાં સારા પ્રદર્શન બદલ જામનગરની ટીમમાંથી 6 ખેલાડીઓની પ્રી નેશનલ કેમ્પ માટે પસંદગી થયેલ છે, જે સમગ્ર મહિલા ટીમ માટે ખુબજ ગર્વની વાત છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DAVAL NILESHBHAI BHATT