જૂનાગઢ, 26 જુલાઈ (હિ.સ.) ગુજરાત સરકારના રમત-ગમત વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢના માધ્યમથી શાળાકીય રમતોત્સવ (SGFI) ૨૦૨૫-૨૬નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાના દરેક તાલુકા અને જૂનાગઢ મહાનગરપાલિકાના તમામ ઝોનના કુલ અલગ-અલગ ૧૭ સ્થળોએ અનુક્રમે ઝોન-તાલુકાકક્ષા કબડ્ડી અને ખો-ખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું.
જેમાં કબડ્ડી સ્પર્ધામાં અંદાજીત ૩૯૫ ટીમો અને ખો-ખો સ્પર્ધામાં અંદાજીત ૪૦૭ ટીમો મળી કુલ ૯૬૦૦ જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તાલુકાકક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલ ટીમ જૂનાગઢ જિલ્લાકક્ષા સ્પર્ધામાં ભાગ લેશે. સૌપ્રથમવાર એક જ તારીખ અને સમય પર જૂનાગઢ જિલ્લાના અલગ અલગ સ્થળો એ પણ આ સ્પર્ધાઓના આયોજન દ્વારા વાતાવરણ રમતમય બન્યું હતું.
આ તકે ખેલાડીઓને પ્રોત્સાહન કરવા સ્થાનિક કક્ષાના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ તાલુકા રમત કન્વીનર અને વિજેતા થયેલ ખેલાડીઓને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત વતી જિલ્લા રમત ગમત અધિકારી મનીષકુમાર જીલડીયા દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી એમ જૂનાગઢ જિલ્લા રમત ગમત અધિકારી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ