જુનાગઢ 26 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ વર્તમાન સમયમાં મેદસ્વિતાએ વૈશ્વિક આરોગ્ય સમસ્યા બની ગઈ છે. આધુનિક જીવનશૈલી, અસંતુલિત આહાર અને શારીરિક સક્રિયતાના અભાવના કારણે આજની પેઢી મેદસ્વિતા તરફ ધકેલાય છે. મેદસ્વિતામાંથી છુટકારો મેળવવા કપાલભાતિ, ભદ્રાસન, વક્રાસન જેવા આસનો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.
જૂનાગઢ જીલ્લા યોગ કોચ પ્રતાપચંદ્ર મોરારજી થાનકી છેલ્લા ૬૦ વર્ષથી યોગ કરી રહ્યા છે. તેઓ કહે છે કે સંપૂર્ણ રોગમુક્ત રહેવાનો યોગ એ એકમાત્ર માધ્યમ છે. તેઓ ૧૫ વર્ષની વયથી જ યોગ કરી રહ્યા છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જૂનાગઢ જિલ્લાના કોચ પ્રતાપચંદ્ર થાનકીની હાલમાં ૭૫ વર્ષની ઉંમર ધરાવે છે અને તેઓ એકદમ સ્વસ્થ છે અને નીરોગી જીવન જીવી રહ્યા છે.તેમણે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ મેદસ્વિતા મુક્ત અભિયાનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં કાયમી સવારે યોગ શિબિર હોય છે. જેમાં મેદસ્વિતા મુક્ત થવા માટે ભાઈઓ અને બહેનો આવે છે. યોગ અને કસરત થકી શિબિરમાં આવતા ભાઈઓ અને બહેનોએ નાગરિકોએ ૩૦-૪૦ કિલો જેટલું વજન ઘટાડ્યું છે.તેમણે રાજ્ય સરકારના આ અભિયાનમાં નાગરિકોને જોડાવા અપીલ કરી હતી.
તેમણે કહ્યુ હતું કે, યોગના મુખ્ય અંગોમાં આસન, પ્રાણાયામ અને એક્સરસાઇઝ છે. વિવિધ આસનો દ્વારા શરીરમાં ફસાયેલ ઝેરી કચરો બહાર નીકળે છે, દૂષિત વાયુને આસન - યોગ દ્વારા કાઢી શકાય છે. તેમણે ખાસ કરીને મેદસ્વિતા માંથી મુક્ત થવા માટે કપાલભાતિ, ભદ્રાસન,વક્રાસન, પવનમુક્તાસન, સર્વશ્રેષ્ઠ હોવાનું જણાવ્યું હતું.કસરત એ એક અમૃત છે, અને બધા રોગોનો યોગ જ એકમાત્ર ડોક્ટર છે.જો આપણે આપણી જીવનશૈલીમાં યોગને નિયમિત સ્થાન આપીએ તો શારીરિક અને માનસિક સમસ્યાઓથી મુક્તિ મળી શકે એમ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં યોગગુરૂ પ્રતાપચંદ્ર થાનકી દ્વારા નિશુલ્ક યોગ શિબિર યોજવામાં આવે છે. જેનો બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો લાભ લઈ રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ