સુરત, 26 જુલાઈ (હિ.સ.)-તા.26 જુલાઈ-કારગિલ વિજય દિવસના પાવન અવસરે ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ- સુરત અને જય જવાન નાગરિક સમિતિના સંયુક્ત ઉપક્રમે ભાવિ ડોક્ટરોને પ્રેરણા આપવા દેશભક્તિથી તરબોળ વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સશસ્ત્ર દળોના શૌર્યને નમન કરવા અને યુવા મેડિકલ વિદ્યાર્થીઓને આર્મ્ડ ફોર્સ મેડિકલ સર્વિસમાં જોડાવા પ્રેરિત કરાયા હતા.
કારગીલ યુદ્ધમાં શહીદ જવાનોને તેમના અપ્રતિમ સાહસ અને બલિદાન બદલ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી રાષ્ટ્રીય સુરક્ષામાં મેડિકલ સેવા એક પાવન યાત્રા બની શકે છે એની ઝાંખી સ્ટુડન્ટસને કરાવવામાં આવી હતી..
સશસ્ત્ર દળોની મેડિકલ સેવાઓમાં વિશાળ અનુભવ ધરાવતા લેફ્ટનન્ટ જનરલ ડૉ. ભૂપેશકુમાર ગોયલે (AVSM, VSM) ડોક્ટરો પણ સેનામાં મેડિકલ સંલગ્ન મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રાષ્ટ્રસેવા નિભાવી શકે છે એમ જણાવી સૈન્ય મેડિસિન વિષે સમજ આપી યુજી, પીજી તેમજ ઇન્ટર્ન વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સેવાના પવિત્ર કાર્યો માટે આર્મ્ડ ફોર્સમાં જોડાવાની ઉત્તમ તકોથી માહિતગાર કર્યા હતા.
કાર્યક્રમમાં લેફ્ટનન્ટ કર્નલ મુકેશ રાઠોડ, ડૉ.સંજય શાહ, ડી.આઈ.જી. સંજયકુમાર શ્રીવાસ્તવ, જય જવાન નાગરિક સમિતિના જયસુખ કથિરિયા અને ભીખુભાઈ ટિંબડિયા, મેડિકલ કોલેજના ડીન ડૉ. જયેશ બ્રહ્મભટ્ટ, ડૉ. કે.એન. ભટ્ટ, તબીબી અધિક્ષક ડૉ. ધારિત્રી પરમાર, ડૉ. અલ્પના માથુર, મેડિકલ કોલેજના સ્ટુડન્ટ યુનિયનના જનરલ સેક્રેટરી મહર્ષિ ત્રિવેદી, યુવા મેડિકલ સ્ટુડન્ટસ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે